કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાએ લાગૂ કરેલા આંતરરાષ્ટ્રીય સરહદો પરના પ્રતિબંધના લીધે હજારો ટેમ્પરરી માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને 485 વિસાધારકોએ ભારતની રાજધાની દિલ્હી ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું.
જેમાં તેમણે સ્કોટ મોરિસન સરકારને તેઓ પરત આવી શકે તે માટે વિનંતી કરી હતી.
વીડિયોમાં દેખાયા મુજબ ભારતીય વિદ્યાર્થીઓનું ગ્રૂપ ‘We Want Justice’ સંદેશ સાથે હાથમાં પોસ્ટર લઇને ઉભું છે.
તેમણે તેઓ તાત્કાલિક ઓસ્ટ્રેલિયા આવી શકે તથા પોસ્ટ સ્ટડી વર્ક વિસાધારકોના વિસા લંબાવવામાં આવે તેવી માંગ કરી હતી.
ગગનદીપ સિંઘ ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં અભ્યાસ કરે છે તે હાલમાં ભારતમાં છે. તેણે હાલમાં દિલ્હી ખાતે યોજાયેલા શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

International student holding a poster during a peaceful protest at Jantar Mantar in New Delhi on 22 March 2021. Source: Supplied by Gagandeep Singh
તેણે SBS Punjabi ને ભારતથી ફોન પર જણાવ્યું હતું કે, અગાઉ નવી દિલ્હી ખાતે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનની બહાર પ્રદર્શન કરવાનું આયોજન હતું પરંતુ ત્યાં પરવાનગી પ્રાપ્ત થઇ નહોતી.
જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શનમાં 30 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઓસ્ટ્રેલિયાના કઠોર સરહદીય પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો.
ગગનદીપે જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ તેમાં ભાગ લેવા માંગતા હતા પરંતુ લોકડાઉન અને મુસાફરીના પ્રતિબંધોના કારણે તેઓ આવી શક્યા નહોતા.
ગ્રૂપે ઓસ્ટ્રેલિયન હાઇ કમિશન તથા ભારતના વિદેશ મંત્રાલયને તેમની ચિંતાઓ જણાવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયામાં ભાડુ તથા અન્ય ખર્ચા વિશે વિગતો આપી હતી.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા 10 જાન્યુઆરી 2021 ના રોજ જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 164,458 વિસાધારકો ઓસ્ટ્રેલિયા બહાર હતા. જેમાંથી 12,740 ભારતના વિદ્યાર્થીઓ હતા.
પંજાબ અને હરિયાણા રાજ્યની રાજધાની ચંદિગઢમાં પણ આ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ત્યાં 30 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને 485 વિસાધારકોએ ભાગ લીધો હતો.


