ઓસ્ટ્રેલિયન્સ વિદેશ પ્રવાસ માટે મંગળવારથી કોવિડ-19 રસીના આંતરરાષ્ટ્રીય સર્ટીફીકેટ માટે અરજી કરી શકશે તેમ કેન્દ્રીય સરકારે જણાવ્યું છે.
આ સર્ટીફીકેટ, ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ ધરાવતા લોકો તથા ઓસ્ટ્રેલિયાના વિસા ધરાવતા રહેવાસીઓની કોવિડ-19 પ્રતિરોધક રસીની વિગતો ઓસ્ટ્રેલિયન ઇન્યુનાઇઝેશન રજીસ્ટરમાં નોંધાયેલી હશે તેમને પ્રાપ્ત થશે, તેમ સરકારે રવિવારે નિવેદનમાં જણાવ્યું હતું.
સરકારે ઉમેર્યું હતું કે, કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવ્યાની સાબિતી માટે સુરક્ષિત QR Code આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ દેશની સરહદીય સંસ્થાઓ જે-તે વ્યક્તિની રસીની વિગતો મેળવી શકશે. તથા, તેની સાથે કોઇ પણ વ્યક્તિ સરળતાથી મુસાફરી કરી શકશે.
રસીના બંને ડોઝ મેળવી લેનારા ઓસ્ટ્રેલિયન્સ સર્ટીફીકેટની મદદથી દેશ બહાર આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી શકશે.
આ સર્ટીફીકેટ ડીજીટલ અથવા પ્રિન્ટ સ્વરૂપે મેળવી શકાશે. તથા, તેને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA) ટ્રાવેલ પાસ એપ સાથે પણ જોડી શકાશે.
ઉલ્લેખનીય છે કે સરકારે રસીના બંને ડોઝ મેળવી લેનારા ઓસ્ટ્રેલિયન્સ માટે નવેમ્બર મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે.
કેટલાક દેશોમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ રસીનું પ્રમાણપત્ર દર્શાવવું પડશે. મંત્રીએ જણાવ્યું હતું કે સર્ટીફીકેટમાં Visible Digital Seal ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ જેટલી જ સુરક્ષિત છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સર્ટીફીકેટમાં આંતરરાષ્ટ્રીય સિવીલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના તમામ માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અરજીકર્તા myGovના મેડિકેર એકાઉન્ટ અથવા મેડિકેર એક્સપ્રેસ એપ દ્વારા આંતરરાષ્ટ્રીય સર્ટીફીકેટ મેળવી શકશે.