તમે કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લો ત્યાર બાદ તેનું ડીજીટલ સર્ટિફીકેટ મેળવી શકાય છે.
તમારી કોવિડ-19 રસી વિશેની માહિતી ક્યાં જમા થાય છે?
ઓસ્ટ્રેલિયન ઇમ્યુનાજેશન રજીસ્ટર Australian Immunisation Register (AIR) દ્વારા તમારી રસીકરણ વિશેની માહિતી મેળવી શકાય છે.
જ્યારે તમે રસી મેળવો છો, ત્યારે તે અંગેની માહિતી રજીસ્ટરમાં નોંધવામાં આવે છે. ત્યાર બાદ તે તમારા મેડિકેર એકાઉન્ટમાં ‘Immunisation history statement’ માં જોઇ શકાય છે. તમે રસી લીધી હોય તેના 24 કલાકમાં રસીકેન્દ્ર દ્વારા રસી અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Immunisation history માં ફક્ત તમારી કોવિડ-19ની રસી વિશેની જ નહીં પરંતુ તમે લીધેલી તમામ રસીની માહિતી નોંધવામાં આવે છે.
14 કે તેથી મોટી ઉંમરના તમામ લોકો તેમનું ‘Immunisation history statement’ મેળવી શકે છે.

તમે રસી લીધી હોય પરંતુ રસી અંગેની તમારી વિગતોમાં 10 દિવસ સુધી પણ સુધારો ન થયો હોય તો રસીકેન્દ્રનો સંપર્ક કરી શકાય. જરૂરિયાત હશે તો તેઓ AIR નો સંપર્ક કરશે.
જે લોકોએ ઓસ્ટ્રેલિયા દ્વારા માન્ય રસી વિદેશમાં મેળવી હશે તો તેઓ તે અંગેની માહિતી AIR માં ઉમેરી શકશે. સર્વિસ ઓસ્ટ્રેલિયા વિદેશમાં મેળવેલી રસી વિશેની માહિતી Immunisation history માં કેવી રીતે ઉમેરી શકાય તે અંગે માર્ગદર્શન આપે છે.
રસીના બંને ડોઝ મેળવનારા લોકો માટે વેક્સીન સર્ટિફીકેટ ઉપલબ્ધ છે. જે લોકોએ એક જ ડોઝ મેળવ્યો છે તેઓ ‘Immunisation history statement’ ને સાબિતી તરીકે દર્શાવી શકે છે.
વેક્સીન સર્ટિફીકેટ મેળવવાની રીત
સર્વિસ ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર હેન્ક જોનગેન જણાવે છે કે, સૌ પ્રથમ myGov account શરૂ કરવું જરૂરી છે.
એક વખત myGov account શરૂ કર્યા બાદ તેને મેડિકેર સાથે જોડો.
ત્યાર બાદ Express Plus Medicare મોબાઇલ એપ ડાઉનલોડ કરો.
એક વખત તેને ઓનલાઇન એકાઉન્ટ સાથે જોડો, ત્યાર બાદ તમે તમામ વિગતો મેળવી શકશો, તેમ જોનગેને જણાવ્યું હતું.
જો તમારે એપનો ઉપયોગ ન કરવો હોય તો ઓનલાઇન માધ્યમ દ્વારા Immunisation history નો ઉપયોગ કરી શકાય છે. તેમાં COVID-19 Digital Certificate પસંદ કરો અને તેને તમારા ફોન અથવા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરો.

જો તમારી મેડિકેર એકાઉન્ટની વિગતો યોગ્ય નહીં હોય તો તમે બંને એકાઉન્ટ્સને જોડી શકશો નહીં.
સર્વિસ ઓસ્ટ્રેલિયાએ મેડિકેર એકાઉન્ટને મેડિકેર કાર્ડની મદદથી myGov સાથે કેવી રીતે જોડી શકાય તેની માહિતી આપતો એક વીડિયો પ્રસ્તુત કર્યો છે.
જો તમે મેડિકેર માટે લાયક નથી તો તમે તમારી રસી અંગેની વિગતો myGov ની Individual Healthcare Identifier Service ની મદદથી મેળવી શકો છો. ત્યાર બાદ તે સર્ટિફીકેડ ડાઉનલોડ અથવા તેને ડીજીટલ વોલેટમાં ઉમેરી પણ શકાય છે.
14 વર્ષથી નાના બાળકો માટે રસીની વિગતો કેવી રીતે મેળવી શકાય
14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માતા-પિતા અથવા વાલી તે બાળકની રસી અંગેની વિગતો myGov અથવા મેડિકેર એપની મદદથી મેળવી શકે છે.
રસી આપનાર સંસ્થા તે બાળકની રસીની વિગતોની પ્રિન્ટ આપી શકે છે અથવા તમે AIR નો 1800 653 809 પર સંપર્ક કરી તેને પોસ્ટ માટે જણાવી શકો છો.
સર્ટિફીકેટને ડીજીટલ વોલેટમાં કેવી રીતે ઉમેરી શકાય
તમારા ડીજીટલ સર્ટિફીકેટને ડીજીટલ વોલેટમાં ઉમેરવા માટે સર્વિસ ઓસ્ટ્રેલિયાએ વીડિયો પ્રસ્તુત કરી છે. આ સ્ટેપ્સ તમે મેડિકેર માટે લાયક છો અને તમે મોબાઇલ એપનો વપરાશ કરો છો કે કેમ તેની પર આધારિત છે.
તમારી પાસે સ્માર્ટફોન ન હોય અથવા તમે સર્ટિફીકેટ ઓનલાઇન મેળવવા ન ઇચ્છતા હોય તો?
myGov એકાઉન્ટની મદદથી સર્ટિફીકેટ મેળવી શકાય છે પરંતુ જો તમે તે વિકલ્પ પસંદ કરવા ન માંગતા હોય તો તમે સર્વિસ ઓસ્ટ્રેલિયાનો 1800 653 809 પર સંપર્ક કરીને સર્ટિફીકેટ મેળવી શકો છો, તેમ જોનગેને જણાવ્યું હતું.
તમે રસી મેળવો ત્યારે તમને રસી આપનારું કેન્દ્ર પણ Immunisation history ઉપલબ્ધ કરાવી શકે છે.
શું તમારી વિગતો સુરક્ષિત છે?
સર્વિસ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે, વર્તમાન કોવિડ-19 ડીજીટલ સર્ટિફીકેટને છેતરપીંડીથી બચાવવા માટે ઘણા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.
તમે જ્યારે તમારા ફોનમાં તે સર્ટિફીકેટ ખોલશો અને મોબાઇલની સ્ક્રીનને હલાવશો ત્યારે તેનો રંગ સતત બદલાયા કરશે.
ડીજીટલ સર્ટિફીકેટમાં દસ્તાવેજનો નંબર તથા અન્ય સરકારી ચિન્હો અંકિત કરેલા છે.
જોકે, Express Plus Medicare એપમાં કેટલીક ખામી હોય તેવી શંકા છે જેનો ફાયદો ઉઠાવી લોકો કોવિડ-19 રસીનું ખોટું સર્ટિફીકેટ રજૂ કરી શકે છે. ઓસ્ટ્રેલિયન સાઇબર સિક્યોરિટી સેન્ટરે સરકારી સંસ્થાઓને સર્ટિફીકેટ વધુ સુરક્ષિત બનાવવા માટે સલાહ આપી છે.
છેતરપીંડીથી બચો

કોવિડ-19 રસીનું સર્ટિફીકેટ મફત છે
ઘણા લોકોને કોવિડ-19 પાસપોર્ટ્સ 2 ડોલરમાં મેળવવા માટે મોબાઇલમાં સંદેશ આવે છે. તે લિંન્ક પર ક્લિક ન કરવાની સલાહ છે.
તે છેતરપીંડી છે, જો તમે તે લિંન્ક પર ક્લિક કરશો તો તે તમારી ખાનગી વિગતો માંગશે અને જો તમે તે વિગતો આપશો તો 2 ડોલરથી પણ વધુ નાણા ગુમાવશો. તેમ જોનગેને જણાવ્યું હતું.
સર્વિસ ઓસ્ટ્રેલિયા લોકોને તેમના સંજોગો પ્રમાણે રસી અંગેની સાબિતી ઉપલબ્ધ કરાવે છે. servicesaustralia.gov.au/covidvaccineproof





