2જી ઓક્ટોબર 2020ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. અને, મહાત્મા ગાંધીના સત્ય અને અંહિસાના ઉપદેશને યાદ કરવામાં આવી રહ્યો છે.
ભારત સહિત દેશ-વિદેશના રાજકિય નેતાઓ સંસ્થાઓએ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા.
નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતિ નિમિત્તે તેમના યાદ કરી ગાંધીજીના જીવનને સંદેશ ગણાવીને તેમની વિચારધારા દેશને પ્રગતિની એક પ્રેરણા આપે તેમ જણાવ્યું હતું.
રામ નાથ કોવિંદ, રાષ્ટ્રપતિ, ભારત
ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે જણાવ્યું હતું કે, ગાંધીજીનો સત્ય, અહિંસા તથા પ્રેમનો સંદેશ સમાજમાં સમરસતા તથા શાંતિનો પ્રસાર કરીને સમગ્ર વિશ્વમાં કલ્યાણનો માર્ગ પ્રસ્તાપિત કરે છે.
દીપક રાજ ગુપ્તા, સંસદ સભ્ય, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
સામાન્ય રીતે દર વર્ષે ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં ગાંધીજયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ હાલમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે વર્ષ 2020માં ગાંધીજયંતિને લગતા મોટાભાગના કાર્યક્રમો ઓનલાઇન માધ્યમ દ્વારા યોજવામાં આવશે.
કેનબેરા
ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઇકમિશને કોરોનાવાઇરસના નિયમોને અમલમાં મૂકીને મહાત્માગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે કેનબેરાના ગ્લેબ પાર્ક ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.
પર્થ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં બોર્ડરલેસ ગાંધી સહિત વિવિધ સંસ્થાઓ ભેગા મળીને મહાત્મા ગાંધીના જીવન સંદેશનું પ્રદર્શન કરશે તથા ક્લાસિકલ સંગીતકાર દ્વારા ગાંધીજીના ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન સંદેશ પર એક વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નેધરલેન્ડ્સ
મહાત્મગાંધીના સત્ય તથા અહિંસાના સંદેશનો વિદ્યાર્થીઓમાં ફેલાવો થાય તે માટે નેધરલેન્ડ્સ સ્થિત ભારતીય હાઇકમિશને એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
'ફોલો ધ મહાત્મા' કેમ્પેઇન અંતર્ગત વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના ઉપદેશનું મહત્વ સમજાવવામાં આવશે. જેમાં 13 શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ભારત
ભારતના નોઇડા શહેરમાં 2જી ઓક્ટોબરે ગાંધીજયંતિ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના ભાગરૂપે ‘Trash to Treasure’ and ‘Bin to Beauty’ પહેલ હાથ ધરવામાં આવશે.
જે અંતર્ગત વિવિધ સમૂહ કચરા સ્વરૂપે નિકાલ કરવામાં આવેલી વસ્તુઓમાંથી શિલ્પકળા તથા વિવિધ અવનવી ચીજવસ્તુઓનું નિર્માણ કરશે.
Share


