મેલ્બર્નમાં શુક્રવારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યાના 24 કલાકની અંદર જ તેને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મેલ્બર્નના રોવિલ ખાતે ઓસ્ટ્રેલિયન - ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં વડાપ્રધાન સ્કોટ મોરિસન દ્વારા શુક્રવારે પ્રતિમાનું અનાવરણ થયું હતું.
સંસ્થાના વડા વાસન શ્રીનિવાસને આ અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પ્રતિમાના ગળાના ભાગમાં 6 મિલીમીટર સુધી કાપો કરવામાં આવ્યો છે.
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ શનિવારે 13મી નવેમ્બરના રોજ ભારે વરસાદના કારણે પોલીસ ફિંગરપ્રિન્ટ મેળવી શકી નહોતી.

Mahatma Gandhi's statue in Melbourne. Source: SBS
વાસને ઉમેર્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી તથા દેશના બહુસાંસ્કૃતિક સમુદાયોના સન્માન માટે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપવામાં આવી હતી. પરંતુ, અનાવરણના 24 કલાકની અંદર જ બનેલી આ ઘટના નિરાશાનજક છે.
વિક્ટોરીયા ઓસ્ટ્રેલિયાનું બહુસાંસ્કૃતિક રાજ્ય છે અને અહીં ભારતના ઇતિહાસનો અનાદર ખરેખર દુ:ખદ બાબત છે, તેમ વાસને ઉમેર્યું હતું.