કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય સરહદો પરના પ્રતિબંધના લીધે જે ટેમ્પરરી વિસાધારકો ઓસ્ટ્રેલિયાની બહાર ફસાઇ ગયા છે તેમના વિસાની અવધિ લંબાવવાની અરજી સરકારે ફગાવી દીધી છે.
ટેમ્પરરી માઇગ્રન્ટ્સ, સ્કીલ્ડ વર્કર્સ માટે વિસાની અવધિ લંબાવવા માટે દાખલ કરવામાં આવેલી પીટીશનનો જવાબ આપતા ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાના નિયમોમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવાની સરકારની યોજના નથી.
હાઇલાઇટ્સ
- ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા ટેમ્પરરી વિસાધારકોની વિસા લંબાવવાની માંગ
- ઇમિગ્રેશન મંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકારની વિસા લંબાવવાની કોઇ યોજના નથી.
- 31 માર્ચ 2020ના રોજ ઓસ્ટ્રેલિયામાં 97,000 જેટલા ટેમ્પરરી વિસાધારકો હતા.
જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમને 485 વિસા હેઠળ 18 મહિનાથી ચાર વર્ષ સુધીના વિસા મળે છે. જેમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં રહી, અભ્યાસ કે નોકરી કરી શકે છે.
સપ્ટેમ્બર 2020માં સરકારે ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા ઉમેદવારોને તેમના 485 વિસાની અરજી કરવાના નિયમોમાં છૂટ આપી હતી.
પરંતુ, વર્તમાનમાં 485 વિસા ધરાવતા હોય તેવા ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા વિસાધારકોને વધારાની છૂટ મળશે નહીં.
ભારતના એકાઉન્ટટ કિરણ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા હજારો ટેમ્પરરી ગ્રેજ્યુએટ્સ તરફથી આ પીટીશન દાખલ કરી હતી.

Kiran Reddy Source: Supplied by Mr Reddy
તેમણે જણાવ્યું હતું કે સરકારના જવાબ બાદ તેમણે હવે શું કરવું તે અંગે કોઇ દિશા મળતી નથી.
અમે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ઘણી મોટી ફી ભરી છે અને હવે જો ઓસ્ટ્રેલિયન સરકાર અમારા વિસા ન લંબાવે તો અમને મોટું આર્થિક નુકસાન જશે, તેમ કિરણ રેડ્ડીએ ઉમેર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની શક્યતા
ઓસ્ટ્રેલિયામાં 31 માર્ચ 2020ના રોજ લગભગ 97,000 ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો હતા. જેમાંથી 31,000 ભારતીય મૂળના વિસાધારકોનો સમાવેશ થાય છે.
પંજાબના લુધિયાણામાં ફસાઇ ગયેલા મધુર ભલ્લાએ જણાવ્યું હતું કે તેના વિસાનું એક વર્ષ બરબાદ થઇ ગયું છે.
મેલ્બર્નમાં આવીને નોકરી શોધવાનો ઉદ્દેશ્ય ધરાવતા મધુરે ઉમેર્યું હતું કે, સરકાર નવા ટેમ્પરરી ગ્રેજ્યુએટ્સને છૂટ આપી રહી છે પરંતુ વર્તમાન વિસાધારકોને તે છૂટ મળતી નથી તે ખરેખર નિરાશાજનક છે.

Madhur Bhalla (L) with his younger brother Dennis Bhalla (R). Source: Supplied by Mr Bhalla
તેણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ટેમ્પરરી વિસાધારકોને છૂટ તથા રાહત ન મળવાના કારણે મોટાભાગના લોકો હવે કેનેડા કે યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરવા અંગે વિચારી રહ્યા છે.
કારણ કે આ દેશોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સને ઘણી રાહત મળે છે.
ઓસ્ટ્રેલિયન સરકારે પણ ટેમ્પરરી ગ્રેજ્યુએટ્સને અહીં તેમના ક્ષેત્રમાં કાર્ય કરી અનુભવ મેળવવાની તક આપવી જોઇએ. તેમ મધુરે જણાવ્યું હતું.

