રવિવારે પ્રસ્તુત કરાયેલી સરકારની કોરોનાવાઇરસની એપ્લિકેશનને અત્યાર સુધીમાં 1.89 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી લીધી છે.
સરકાર લોકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ભલામણ કરી રહી છે. આ એપ્લિકેશનની મદદથી જો કોઇ પણ વ્યક્તિ કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવશે તો તેની આરોગ્ય અધિકારીઓને તરત જ જાણ થશે.
આ એપ્લિકેશન બ્લૂટૂથ ટેક્નોલોજીની મદદથી કાર્ય કરે છે. જો કોઇ પણ બે વ્યક્તિ 1.5 મીટરના અંતરે 15 મિનિટથી વધુ સમય સુધી એકબીજાના સંપર્કમાં રહ્યા હશે તો તેની માહિતી મોબાઇલ એપ્લિકેશનમાં નોંધાશે. જો વપરાશકર્તાનો કોરોનાવાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવશે તો તેની મંજૂરી બાદ આરોગ્ય અધિકારીઓ તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી શકશે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેટલા વધુમાં વધુ ઓસ્ટ્રેલિયન્સ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે, કોરોનાવાઇરસ સામેની લડાઇમાં તેટલી વધુ સફળતા મળશે. પરંતુ, એ સાથે જ ટેક અને પ્રાઇવસીના વિશેષજ્ઞોએ એપ્લિકેશન દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતીની ગોપનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ગયા અઠવાડિયે જ્યારે એપ્લિકેશન પ્રસ્તુત કરવામાં આવી તે અગાઉ અમે જણાવ્યું હતું કે કેવી રીતે એપ્લિકેશન કામ કરી શકે છે અને વિશેષજ્ઞોએ કઇ બાબતો પર ચિંતા વ્યક્ત કરી હતી. હવે જ્યારે એપ્લિકેશન રજૂ કરી દેવાઇ છે ત્યારે વિશેષજ્ઞોએ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અંગે જાણકારી આપી છે.
સોફ્ટવેર એન્જીનીયર્સે એપ્લિકેશનનો અભ્યાસ કર્યો અને જાણ્યું....
કોરોનાવાઇરસ વિશેની એપ્લિકેશન અમલમાં મૂકાઇ તે અગાઉ વિશેષજ્ઞોએ સરકારને તેનો સમગ્ર સોર્સ કોડ બતાવવા જણાવ્યું હતું, જેથી સ્વતંત્ર વિશેષજ્ઞો તેનો અભ્યાસ કરીને પ્રશ્નોનો ઉત્તર મેળવી શકે તથા સરકારના વચન પ્રમાણે જ એપ્લિકેશન કાર્ય કરી રહી છે કે કેમ તે જાણી શકે.
સરકારે હજી સુધી તે સોર્સ કોડ જાહેર કર્યો નથી પરંતુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે ABC ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તે કોડ બે અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે.
જ્યાં સુધીમાં તે કોડ જાહેર થાય તે અગાઉ ઓસ્ટ્રેલિયાના સોફ્ટવેર ડેવલોપર્સે એપ્લિકેશનની ચકાસણી શરૂ કરી દીધી છે અને તેમણે પોતાના સંશોધનો સોશિયલ મીડિયા પર મૂક્યા છે.
રવિવારે સોફ્ટવેર ડેવલોપર મેથ્યુ રોબિન્સે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એન્ડ્રોઇડ વર્ઝનનો કોડ મેળવી લીધો હતો.
રોબિન્સ છેલ્લા 10 વર્ષથી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કાર્ય કરે છે અને એપ્લિકેશન ડેવલોપમેન્ટ વિભાગમાં 8 વર્ષ વિતાવ્યા છે. તે ગોપનીયતા વિશેષજ્ઞ નથી પરંતુ તેને એપ્લિકેશન કેવી રીતે બનાવી શકાય છે તેની તથા સરકારના જણાવ્યા પ્રમાણે તે કાર્ય કરે છે કે કેમ તેની જાણ છે. છેલ્લા 24 કલાકથી તે અને તેના જેવા કેટલાય ડેલવોપર્સ કોરોનાવાઇરસ એપ્લિકેશનનો અભ્યાસ કરી કોડની મદદથી શું કરી શકાય તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કેટલાક અભ્યાસ સકારાત્મક રહ્યા છે, ટ્વિટર પર રોબિન્સે જણાવ્યું હતું કે એપ્લિકેશન આશા પ્રમાણે જ કાર્ય કરે છે. વપરાશકર્તાનો ડેટા એપ્લિકેશનમાં સેવ કરે છે અને અન્ય ફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો જ તેની સિગ્નલ મેળવે છે. 21 દિવસ બાદ ડેટા ડીલીટ થઇ જાય છે અને જો વપરાશકર્તા આરોગ્ય અધિકારીને પરવાનગી આપે તો જ તે ડેટા અપલોડ થાય છે.
એપ્લિકેશન વપરાશકર્તાનું સ્થાન રેકોર્ડ કરતી નથી (જો તમે એન્ડ્રોઇડ વપરાશકર્તા છો, અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તમને તમારા સ્થાન વિશેની માહિતી પૂછતો સંદેશ મળે તો તે એન્ડ્રોઇડનું એક નકારાત્મક પાસું છે. એપ્લિકેશનનો વપરાશ કરવા બ્લૂટૂથ ઓન કરો ત્યારે તે વપરાશકર્તાના સ્થાનની માહિતી મેળવવાની પરવાનગી માંગે છે. તેમ છતાં પણ કોરોનાવાઇરસ એપ્લિકેશન વપરાશકર્તાના સ્થાનની માહિતી મેળવતી નથી).
રોબિન્સે The Feed ને જણાવ્યું હતું કે તેના હળવાશના સમયમાં તેણે આ એપ્લિકેશનનો અભ્યાસ કર્યો હતો. પરંતુ, ત્યાર બાદ તે એપ્લિકેશનથી સંતુષ્ટ છે.
"આ એપ્લિકેશન યોગ્ય રીતે બનાવવામાં આવી છે તેનો મને વિશ્વાસ છે."
રોબિન્સને બે બાબતમાં થોડી ભૂલ જણાઇ પરંતુ સરકાર ઝડપથી તે એપ્લિકેશન પ્રસ્તુત કરવા માંગતી હોવાથી તે સ્વીકાર્ય છે.
સરકાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવનારો કોડ જોવા માટે રોબિન્સ આતુર છે પરંતુ તે એન્ડ્રોઇડ કરતા iOS એપના કોડનો અભ્યાસ કરવો વધુ અઘરો હોવાનું રોબિન્સે જણાવ્યું હતું. જોકે, તેને અત્યાર સુધીમાં એપ્લિકેશનમાં કોઇ ખામી જણાઇ નથી.
તેણે જણાવ્યું હતું કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હિતાવહ છે.
આ ઉપરાંત, અન્ય કેટલાક ડેવલોપર્સે પણ આ એપ્લિકેશનનો અભ્યાસ કર્યો અને લોકોને તે ડાઉનલોડ કરવા માટે ભલામણ કરી હતી.
જો તમને એપ્લિકેશનની ટેક્નિકલ માહિતી મેળવવામાં રસ હોય તો સોફ્ટવેર એન્જીનીયર જ્યોફ હન્ટલીએ ઓસ્ટ્રેલિયાના ટેક્નોલોજી સમુદાય દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા સોર્સ કોડની માહિતી જાહેર કરી છે.
એપ્લિકેશન 24 કલાક કાર્યરત છે, તેમાં કેટલી ખામી જોવા મળી છે
અત્યાર સુધીમાં એપ્લિકેશન સામે કેટલાક પ્રશ્નો સર્જાઇ શકે તેમ છે.
કોરનાવાઇરસ વિશેની એપ્લિકેશન કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી વપરાશકર્તાને હોય તે જરૂરી છે. એપ્લિકેશન શરૂ હોવી જોઇએ તો જ તે કાર્ય કરે છે. તમે અન્ય એપ્લિકેશન વાપરી શકો છો પરંતુ કોરોનાવાઇરસની એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં શરૂ હોવી જોઇએ.
કેટલાક તજજ્ઞોએ જણાવ્યું છે કે કોરોનાવાઇરસની એપ્લિકેશન આઇફોનમાં અમુક સંજોગોમાં કાર્ય કરતી નથી. જ્યારે આઇફોન લો-પાવર મોડમાં જતો રહે ત્યારે અને એક જ સાથે ઘણી બધી એપ્લિકેશન બ્લૂટૂથનો વપરાશ કરતી હોય ત્યારે કોરોનાવાઇરસની એલિકેશન કાર્ય કરતી બંધ થઇ જાય છે.
અત્યાર સુધી સરકારે જો એપ્લિકેશન કાર્ય કરતી બંધ થઇ જાય તો શું કરવું તેની સલાહ આપી છે. હાલમાં COVIDSafe વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, આઇફોન વપરાશકર્તા ઓછામાં ઓછા 24 કલાક સુધી એપ્લિકેશનનો વપરાશ ન કરી શકે તો કેવી રીતે સમસ્યાનો હલ લાવી શકાય તે અંગેની માહિતી આપતો એક સંદેશ તેમના ફોન નંબર પર મોકલવામાં આવશે.
એપ્લિકેશનના કારણે તમારા ફોનની બેટરી કેટલી ઓછી થશે તે હાલના તબક્કામાં કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ વિશેષજ્ઞો અસમંજસમાં છે, આગામી સમયમાં તે અંગે જાણકારી પ્રાપ્ત થશે.
આ સમસ્યાઓ વપરાશકર્તાની સુરક્ષા સાથે બાંધછોડ કરતી નથી પરંતુ જો તેનું નિરાકરણ ન આવે તો તેની કાર્ય કરવાની ક્ષમતા પર અસર પહોંચી શકે છે. તેથી જ, તજજ્ઞો આઇફોન એપ્લિકેશનના કોડની જાણકારી મેળવવા અંગે રાહ જોઇ રહ્યા છે, જેથી તેનો અભ્યાસ થાય અને ખામીનું નિરાકરણ લાવી શકાય.
સિક્યોરિટીના તજજ્ઞોને હજી પણ COVIDSafe એપ્લિકેશન અંગે ચિંતા છે?
સિક્યોરિટીના તજજ્ઞોને હજી પણ એપ્લિકેશન અંગે ચિંતા છે, શું તે ચિંતાજનક બાબતો વપરાશકર્તાને તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી રોકી શકે છે? તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, તે વ્યક્તિગત બાબતો પર આધાર રાખે છે. જાણો કેમ...
ગયા અઠવાડિયે એપ્લિકેશન પ્રસ્તુત થઇ તે અગાઉ, ધ ફીડે પ્રાઇવસીના તજજ્ઞ પ્રોફેસર ડાલી કાફર સાથે વાત કરી હતી. તેઓ ઓપ્ટસ મેક્વાયરી યુનિવર્સિટી સાઇબર સિક્ટોરિટીના એક્સીક્યુટીવ ડાયરેક્ટર છે. તેમણે એપ્લિકેશનના વિવિધ મુદ્દાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
કાફર અને અન્ય વિશેષજ્ઞોની ચિંતા પ્રમાણે, આ એપ્લિકેશનમાં ભેગા થતા ડેટા એક મુખ્ય સર્વર પર જમા થાય છે. તેમણે ધ ફીડને જણાવ્યું હતું કે, જેની પાસે મુખ્ય સર્વરની માહિતી મેળવવાની પરવાનગી હશે તેની પાસે ઘણી વિશાળ માહિતી ભેગી થશે. જો, આ સર્વર હેક થઇ જાય તો તે વ્યક્તિ આ ડેટા દ્વારા ઘણું બધું કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર વેનેસા ટ્યુજે એપ્લિકેશન દ્વારા માહિતીના સંગ્રહ અને તેની વહેંચણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દાખલા તરીકે, ઓસ્ટ્રેલિયન સરકારની આ એપ તમારા ફોન કે ડિવાઇસનું મોડલ અને તેની સાથે સંકળાયેલી માહિતી તરીકે રેકોર્ડ કરશે. અને જે ટેક્નોલોજીનો જાણકાર વ્યક્તિ આ ડેટાનો વપરાશ કરે તે દરેક વ્યક્તિ આ માહિતી જોઇ તથા તથા સમજી શકશે.
ભલે આ બહું સામાન્ય બાબત લાગે પરંતુ વપરાશકર્તાના ફોનની જાણકારી મેળવવી તે ગંભીર બાબત છે. તેમ વેનેસા અને તેમના સાથીદારોએ સોમવારે એક બ્લોગમાં લખ્યું હતું.
દાખલા તરીકે, જે વ્યક્તિના ફોનનો વપરાશ થઇ રહ્યો છે તે વ્યક્તિએ ક્યાં મુલાકાત લીધી હતી તે વિશેની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત ફોનનો કંટ્રોલ કરનાર વ્યક્તિ કોરોનાવાઇરસ એપ્લિકેશનની માહિતીના વપરાશ દ્વારા વિવિધ પૂર્વાનુમાન પણ કરી શકે છે.
કોઇ પણ વ્યક્તિને મળ્યા કે નહીં તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવો ઘણો મહત્વપૂર્ણ છે.
પ્રોફેસર કફારના જણાવ્યા પ્રમાણે, વપરાશકર્તા ધારે છે તેના કરતા વધુ માહિતી કેન્દ્રીય અધિકારીઓને મળી શકે છે. તેમણે વિસ્તારથી જણાવ્યું હતું કે, જો કોઇ એક વ્યક્તિ કોરોનાવાઇરસ ધરાવે છે અને તે તેની માહિતી વહેંચવાની પરવાનગી આપે છે, તો તેણે તાજેતરમાં જ બીજી અને ત્રીજી વ્યક્તિ સાથે પસાર કરેલા સમયની માહિતી મળી જાય છે. કેન્દ્રીય અધિકારીઓને ખબર પડી જાય છે કે બીજી અને ત્રીજી વ્યક્તિએ તેની સાથે સમય પસાર કર્યો હતો. પરંતુ, તે લોકોને ખબર પડતી નથી કે આ અંગેની માહિતી કેન્દ્રીય કર્મચારીઓ પાસે પહોંચી ગઇ છે.
આ સમયે વ્યક્તિ દીઠ સંજોગો અલગ અલગ હોય છે.
કેટલાક લોકો માટે આ માહિતી એટલી સંવેદનશીલ હોતી નથી જ્યારે અમુક લોકો માટે તે ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. દાખલા તરીકે, બે અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓની એકબીજા સાથેની મુલાકાત અથવા કોઇ પત્રકારની રાજકારણી સાથેની મુલાકાત.
પ્રોફેસર કફારના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની બાબતોનો ઉકેલ નાના નાના સુધારા કરી લાવી શકાય છે. તજજ્ઞોના આંતરરાષ્ટ્રીય સમૂહે જણાવ્યું છે કે કેન્દ્રીય અધિકારીઓને તમામ માહિતી ન મળે તેવી એપ્લિકેશન પણ બનાવી શકાય છે.
જ્યાં સુધી એપ્લિકેશનમાં આ પ્રકારના સુધારા નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રોફેસર કફાર એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરે. પરંતુ, તેમણે અન્ય ઓસ્ટ્રેલિયન્સને કોઇ સલાહ આપી નહોતી.
હું અન્ય લોકોને તે એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિશે સલાહ આપી શકું કે કેમ તે વિશે મને જાણ નથી, આ એક અઘરો સવાલ છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
મને લાગે છે કે સરકારે ગોપનીયતા અંગે વિચાર્યું છે. જેમ કે, વ્યક્તિએ મુલાકાત લીધી તે સ્થળની માહિતી મળતી નથી અને ડેટા 21 દિવસ બાદ ડિલીટ થઇ જાય છે.
મારા માનવા પ્રમાણે, ગોપનીયતા ખૂબ જ વ્યક્તિગત હોવી જોઇએ. કેટલાક લોકો માટે સ્થળની માહિતી ખૂબ જ સંવેદનશીલ હોય છે જ્યારે કેટલાક લોકો માટે એ મહત્વપૂર્ણ હોતી નથી.
હું હાલના તબક્કે કોઇ ચોક્કસ સલાહ આપી શકું તેમ નથી, તેથી હું રાહ જોઇશ. આ એપ્લિકેશનમાં હજી પણ વધુ પારદર્શિતા તથા કાયદાકિય જોગવાઇ હોય તે જરૂરી છે.
શું મારે COVIDSafe એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઇએ?
અહીં માહિતી મળશે. COVIDSafe એપ્લિકેશન એક ખાસ ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. હાલમાં મહામારીનો સમય ચાલી રહ્યો છે, જો આપણે ફરીથી સામાન્ય જીવન જીવવું હશે તો કોરોનાવાઇરસના નવા કેસ વિશેની માહિતી જલદીથી મળે તે જરૂરી છે.
જો મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન્સ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો વપરાશ કરે તો વર્તમાન સમયમાં તે ઘણી મદદરૂપ થઇ શકે તેમ છે. પરંતુ, એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરે તે માટે, સરકારની માહિતી પ્રમાણે ઓછામાં ઓછા 40 ટકા લોકોએ તેનો વપરાશ કરવો જરૂરી છે. એટલે જ, ઓછામાં ઓછા 10 મિલિયન લોકોએ તે ડાઉનલોડ કરવી જરૂરી છે. સોમવાર સુધીમાં 2 મિલિયન સુધી આંકડો પહોંચ્યો હતો.
તમારી પોતાની ગોપનીયતા ભંગ થશે તે વિચારીને એપ્લિકેશન ડાઉનલોડ કરવી કે કેમ તે તમારો પોતાનો નિર્ણય હોઇ શકે. પ્રોફેસર કફારે પણે આ બાબતનું સમર્થન આપ્યું હતું.
UNSW ખાતે એલેન્સ હબ ફોર ટેક્નોલોજી, લૉ એન્ડ ઇનોવેશન કાર્યરત ડેવિડ વેલેએ જણાવ્યું હતું કે, આ પ્રકારની એપ્લિકેશન કે જેમાં વ્યક્તિગત માહિતીનો સંગ્રહ થતો હોય તેવી એપ્લિકેશનનો વપરાશ કરવામાં સાવચેતી રાખવી જરૂરી છે, જોકે, લોકોના આરોગ્યની બાબતો પણ એટલી જ જરૂરી છે. તેથી જ નક્કી કરવું અઘરું છે.
હાલમાં જો તમે નક્કી કરી લીધું હોય કે કોરોનાવાઇરસની એપ્લિકેશન તમારા માટે સુરક્ષિત નથી તો, યાદ રાખો કે આ એપ્લિકેશનમાં આવનારા દિવસોમાં ઘણા બધા સુધારા થશે અને અમે તમને તેની માહિતી આપતા રહીશું.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ અને પરિવારજનો સિવાય મેળાવડા ઓછામાં ઓછા બે વ્યક્તિ સુધી સિમીત કરવામાં આવ્યા છે.
જો તમને એમ લાગે કે તમને વાઇરસની અસર છે તો, ડોક્ટરનો સંપર્ક કરો, (તેમની મુલાકાત ન લો) અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય અને મેડિકલ ઇમરજન્સી હોય તો 000 પર ફોન કરો.
કોરોનાવાઇરસ વિશેની તમામ તાજી જાણકારી આપવા માટે SBS કટિબદ્ધ છે. 63 ભાષાઓમાં સમાચાર અને માહિતી sbs.com.au/coronavirus પર ઉપલબ્ધ છે.
Share


