ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા 10 દિવસથી સામુદાયિક સંક્રમણના કારણે કોરોનાવાઇરસનો એક પણ કેસ ન નોંધાતા રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને વધુ નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી.
આ ફેરફાર શુક્રવાર, 29મી જાન્યુઆરી 12.01 am વાગ્યાથી અમલમાં આવશે. જે અંતર્ગત....
- આઉટડોર મેળાવડામાં 50 લોકોને ભેગા થવાની મંજૂરી
- ઘરની 30 લોકો મુલાકાત લઇ શકશે
- લગ્નો તથા અંતિમ સંસ્કારમાં 300 લોકો સુધીની પરવાનગી. જોકે તેમાં દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ પડશે.
હોસ્પિટાલિટી તથા ધાર્મિક સ્થળો પર લોકોના ભેગા થવાની સંખ્યામાં મર્યાદા લાગૂ કરવામાં આવી નથી.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, હાલમાં ઉપરોક્ત સ્થળો પર દર ચાર સ્કવેયર મીટરે એક વ્યક્તિના નિયમનું પાલન કરવું પડશે. પરંતુ, આગામી સમયમાં પરિસ્થિતીની સમીક્ષા કરીને દર બે સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ થઇ શકે છે.
રીટેલ વેપાર ઉદ્યોગોમાં માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ નીચેના સ્થળો અને સર્વિસનો ઉપયોગ કરતી વખતે માસ્ક જરૂરી છે.
- જાહેર વાહનવ્યવહાર
- હોસ્પિટાલિટીના કર્મચારીઓ
- ધાર્મિક સ્થળો
- ગેમિંગ રૂમ
- બ્યૂટી સલૂન
પ્રીમિયરે બેરેજીક્લિયાને જે સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન થઇ શકે તેવા સ્થળો પર લોકોએ માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો હતો.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે લીવરપુલ ખાતેના પ્લાન્ટમાં ગટરના પાણીમાં કોરોનાવાઇરસના તત્વો મળી આવ્યા બાદ દક્ષિણ - પશ્ચિમ સિડનીના રહેવાસીઓને તેમના લક્ષણો તપાસવા અંગે જણાવ્યું છે.

