ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સિડનીમાં ગયા મહિને યોજાયેલા ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોના CCTV દ્વારા ફોટો પ્રસિદ્ધ કર્યા છે.
સિડનીમાં 24મી જુલાઇ 2021ના રોજ વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 60થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જેમાંથી 20 લોકોની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. જ્યારે 15 લોકોને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
તેમને આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ ઘટનાની હજી પણ તપાસ ચાલી રહી છે અને પોલિસે તેમાં ભાગ લેનારા 9 લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. જેમાં 8 પુરુષ તથા એક મહિલાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ડેલ્ટા પ્રકારના કોવિડ-19 સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જૂન 26ના રોજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે ઓગસ્ટ 28 સુધી લંબાવવામાં આવ્યું છે.
રાજ્યની પોલિસે ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાના ફોટા પ્રસિદ્ધ કર્યા છે અને શોધખોળ શરૂ કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિડનીના શહેરી વિસ્તારમાં યોજાયેલી ગેરકાયદેસર રેલીમાં ભાગ લેનારા લોકોની શોધખોળ ચાલૂ જ છે જેમાં 8 પુરુષ તથા એક મહિલા સહિત 9 લોકોનો સમાવેશ થાય છે.
જેમાંથી એક વ્યક્તિની ઉંમર 50થી 60 વર્ષની વચ્ચે છે જ્યારે બાકીના લોકો યુવાન છે.
પોલિસે જણાવ્યું છે કે જો કોઇને પણ આ વ્યક્તિઓ અંગે માહિતી મળે તો તો તેમણે Crime Stoppers નો 1800 333 000 પર સંપર્ક કરવો.
અત્યાર સુધીમાં 5500 રીપોર્ટ્સ નોંધવામાં આવ્યા છે જેમાંથી 200 લોકોને શોધવામાં સફળતા મળી છે.
પોલીસે સોશિયલ મીડિયા, સીસીટીવી તથા શરીર પર ધારણ કરેલા કેમેરા દ્વારા રેલીમાં ભાગ લેનારા લોકોની શોધખોળ શરૂ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.