ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 787 કેસ તથા 12 મૃત્યુ નોંધાયા છે.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16 વર્ષથી મોટી ઉંમરના 60 ટકા લોકોએ કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લીધા છે. અને, 11મી ઓક્ટોબરની આસપાસ રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 70 ટકા સુધી પહોંચશે.
જ્યારે, ઓક્ટોબરના અંત સુધીમાં 80 ટકા લોકો રસીના બંને ડોઝ મેળવી લેશે તેવું અનુમાન છે.
પ્રીમિયર બેરેજીક્લિયાને જણાવ્યું હતું કે, રસી માટે લાયક 70 ટકા લોકો બંને ડોઝ ન મેળવી લે ત્યાં સુધી વર્તમાન નિયંત્રણો અમલમાં રહેશે. મતલબ કે, 5 કિલોમીટર મુસાફરી અને ઘરમાં કોઇ પણ મુલાકાતીને આમંત્રણ નહીં આપવાની મર્યાદા 11મી ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
11મી ઓક્ટોબરથી: રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો માટે હળવા થનારા નિયંત્રણોની યાદી (નિયંત્રણો આગામી બે અઠવાડિયા સુધી અમલમાં રહે તેવી શક્યતા)
- રસીના બંને ડોઝ મેળવી લેનારા 5 મુલાકાતીઓને ઘરમાં આમંત્રિત કરી શકાશે. (પાંચ મહેમાનોની મર્યાદામાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થશે નહીં)
- આઉટડોર સ્થળે 20 લોકો ભેગા થઇ શકે છે.
- રેસ્ટોરન્ટ્સમાં 20 લોકો સુધી ગ્રૂપ બુકિંગ કરાવી શકાશે.
- જીમ અને ઇન્ડોર મનોરંજનના સ્થળો, વ્યક્તિગત સેવાઓ જેમ કે હેરડ્રેસર, નેઇલ સલૂન, રીટેલ સ્ટોર્સ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે.
- હોસ્પિટાલિટી સ્થળો આઉટડોર જગ્યાએ દર 4 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિ તથા ઇન્ડોર જગ્યાએ 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિના નિયમ સાથે શરૂ થઇ શકશે, બહારના સ્થળે ઉભા રહીને ડ્રીન્ક કરી શકાશે.
- 50 લોકો લગ્ન તથા અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકશે.
ઓક્ટોબરના અંતમાં: રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકોની સંખ્યા 80 ટકા થાય ત્યારે (ફક્ત રસીના બંને ડોઝ લેનારા લોકો માટે)
- સામુદાયિક રમતો યોજી શકાશે, પ્રેક્ષકોની સંખ્યા ન્યૂ સાઉથ વેલ્સ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે.
- ઘરની 10 લોકો મુલાકાત લઇ શકશે.
- ઇન્ડોર સ્થળે ઉભા રહીને ડ્રીન્કની પરવાનગી.
- લગ્નો, અંતિમ સંસ્કાર તથા હેર અને બ્યૂટી સલૂનમાં લોકોના ભેગા થવાની મર્યાદા નહીં.
- 80 ટકા રસીકરણ બાદ રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ અને ગ્રેટર સિડની વચ્ચે મુસાફરી કરી શકાશે.
- રસી નહીં મેળવનારા લોકો ફક્ત ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ શકશે.
1લી ડીસેમ્બર - રાજ્યમાં રસીના બંને ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 90 ટકા થશે, રાજ્ય 'કોવિડ નોર્મલ' તબક્કામાં પ્રવેશશે
- ન્યૂ સાઉથ વેલ્સમાં રસી લેનારા તથી નહીં લેનારા રહેવાસીઓ માટેના તમામ નિયંત્રણો હટાવવામાં આવશે. રસી નહીં લેનારા લોકો માટે પણ રસી મેળવનારા લોકો જેવા જ નિયંત્રણો અમલમાં રહેશે.
- ઇન્ડોર સ્થળે માસ્કની જરૂર રહેશે નહીં અને નાઇટ ક્લબ ફરીથી શરૂ થઇ શકશે.