તાજેતરમાં ઇન્ટરનેશનલ અને નેશનલ પ્રવાસીઓના બહાર પડેલા આંકડા પ્રમાણે, સપ્ટેમ્બર 20, 2017થી આગામી 12 મહિના સુધી 8.4 મિલિયન પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી.
જેમાંથી 1.3 મિલિયન પ્રવાસીઓ ચીનના નાગરિકો હતા. જે કુલ પ્રવાસીઓની સંખ્યાના 8 ટકા છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસનનું મોટું માર્કેટ છે. આ સમયગાળા દરમિયાન ચીનથી આવેલા પ્રવાસીઓના કારણે ઓસ્ટ્રેલિયામાં 11.5 બિલિયન ડોલર્સનો ઉમેરો થયો હતો.

Source: AAP Image/Daniel Munoz
ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સી વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે અને આ સંખ્યા 3 લાખ 24 હજાર જેટલી થઇ ગઇ છે.
સિડની ટુર ગાઇડ શેરોન યાંગે જણાવ્યું હતું કે સિડની ચાઇનાથી આવતા પ્રવાસીઓ માટેનું પ્રિય શહેર છે. અહીંની સ્વચ્છતા તથા વિવિધ સ્થળોના કારણે તેઓ મોટી સંખ્યામાં સિડની આવે છે.
આ ઉપરાંત, ભારતીય પ્રવાસીઓ માટે પણ સિડની પ્રિય સ્થળ છે.
ઓસ્ટ્રેલિયન ટુરિઝન એન્ડ ટ્રાન્સપોર્ટ ફોરમના ચીફ એક્સીક્યુટીવ માર્ગે ઓસ્મોન્ડે જણાવ્યું હતું કે, ક્રિકેટ શ્રેણીના કારણે ઘણા ભારતીય પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઇ રહ્યા છે.
આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો જ ફક્ત પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે તેમ નથી, 2 મિલિયનથી વધારે પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

Source: AAP Image/Brendan Esposito
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના લોકો પણ દેશના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારોમાં થઇ રહેલા ખર્ચામાં 10 ટકાનો વધારો થયો છે.
પ્રવાસન મંત્રી સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે તેઓ આગામી મહિનાઓમાં 40 મિલિયન ડોલરનું વધારાનું ફંડ જાહેર કરે તેવી યોજના છે.
ઓસ્ટ્રેલિયાના આંતરિક પ્રવાસન વિસ્તારોમાં માળખાગત સુવિધા વિકસાવવા માટે રોકાણ થઇ રહ્યું છે. જેથી, મોટા શહેરોની મુલાકાત લીધા બાદ પ્રવાસીઓ આ વિસ્તારોના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઇ શકે. પ્રવાસીઓની વારંવારની મુલાકાતથી પ્રવાસન ક્ષેત્રોનો વિકાસ થશે.