ટુરીસ્ટ રીફંડ સ્કીમ (ટીઆરએસ) એટલે છેલ્લા ૬૦ દિવસમાં ઓસ્ટ્રેલિયાની બહાર લઇ જવા માટે ખરીદવામાં આવેલા સમાન પર મળતો ટેક્સ રીફંડ. વસ્તુની કુલ કિંમત પર ચૂકવેલો GST ઓસ્ટ્રેલિયાની સરકાર પાસેથી એરપોર્ટ પર પાછો મેળવી શકાય છે.
જુલાઈ 2000માં શરૂ થયા પછી, $૧.૬ બિલિયન (૧૬૦ અબજ ડોલર) કરતા વધુ મુસાફરોને આ યોજના હેઠળ GSTની રકમ પરત કરવામાં આવી છે. તેમાંથી ૪0% ઓસ્ટ્રેલિયન નાગરિકો અને PR એટલે કાયમી રહેઠાણ વિઝા ધારકો છે.
ટેક્સ-રીફંડની શરત એ છે કે વિદેશ લઇ જવા માટે ઓસ્ટ્રેલિયામાં ખરીદેલી વસ્તુ પર પ્રવાસના ૬0 દિવસની અંદર GST પરત મેળવી લેવો આવશ્યક છે.

સૌથી મહત્વનું પાસું છે કે, આ ઉત્પાદનો ફરી પાછા ઓસ્ટ્રેલિયા આવવા ના જોઈએ. અને આ નિયમનો વ્યાપક પ્રમાણમાં ભંગ થઇ રહ્યો છે.
કાયદામાં જણાવાયું છે કે કસ્ટમ્સ અધિકારીઓને કોઈ શંકા હોય તો તપાસ કરવામાં આવશે અને દંડ કરવામાં આવશે.
પરંતુ રાષ્ટ્રીય ઓડિટ ઓફિસના અહેવાલ અનુસાર, કરદાતાઓ ટીઆરએસના નિયમોનું પાલન કરે છે કે કેમ તે તપાસવા ગૃહ વિભાગ અને કરવેરા કચેરી પૂરતું કામ કરી રહી નથી.
અહેવાલમાં જાણવા મળ્યું છે કે છેલ્લા ૨0 વર્ષમાં, સરકારના ખજાનામાં આવી છેતરપિંડી દ્વારા ૫00 મિલિયન ડોલર (રૂ. ૨,૫00 કરોડ)નું નુકસાન થયું છે.

ઓડિટ વિભાગે નોંધ્યું છે કે ૬૦થી વધુ દેશોમાં પ્રવાસીઓ માટે સમાન રીફંડ છે પરંતુ ઓસ્ટ્રેલિયા એકમાત્ર દેશ છે જે તેના પોતાના નાગરિકો અને નિયમિત રહેવાસીઓને રીફંડ આપે છે.
આંકડા અનુસાર, આ યોજના હેઠળ સૌથી વધુ રીફંડ ચાઇનીઝ પાસપોર્ટ ધારકોએ મેળવ્યુ છે.
૨૦૧૭-૧૮માં, ફક્ત ચાઇનીઝ પાસપોર્ટ ધારકોને ૧૦૦ મિલિયન ડોલર GST રીફંડ પેઠે ચૂકવવામાં આવ્યા હતા.
બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના નાગરિકો છે.
અત્યાર સુધીમાં આપવામાં આવેલું સૌથી મોટું રિફંડ ૨૦૧૧માં નોંધાયું છે, જયારે ૨.૬ મીલીયન ની ખરીદી પર બે લાખ સાઈઠ હજાર ડોલર પરત ચુકવવામાં આવ્યા હતા.
૨૦૧૭–૧૮માં ટૂરીસ્ટ રિફંડ સ્કીમનો સૌથી વધુ ઉપયોગ જે ઉત્પાદનો માટે કરવામાં આવ્યો એ છે
- Apple પ્રોડક્ટ્સ પર ૧૭.૨ મિલીયન ડોલર
- Louis Vitton પ્રોડક્ટ્સ પર ૧૩.૮ મિલીયન ડોલર
- Gucci ઉત્પાદનો પર ૧૦.૧ મિલીયન ડોલર
- Chanel પર ૯.૧ મિલીયન
- Hermes પર ૬.૨ મિલીયન
- અને Tiffany and Co ના પ્રોડક્ટ્સ પર ૪.૩ મિલીયન
આ છેતરપિંડી અટકાવવા ઓડિટિંગ વિભાગે ત્રણ દરખાસ્તો બહાર પાડી છે. જેમાંથી એક છે ખોટા દાવા પર નિયંત્રણ વધારવામાં આવે. અને, ઓસ્ટ્રેલિયા પરત લાવવામાં આવેલા પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવે.
ગૃહ વિભાગ અને કરવેરા કચેરીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવનો અમલ કરવામાં આવશે.

