ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાને નજીકના પરિવારજનની શ્રેણીમાં સમાવવાની માંગે જોર પકડ્યું છે ત્યારે તે અંગે દાખલ કરવામાં આવેલી પિટીશન બંધ થયાને 90 દિવસ થઇ ગયા છે.
પરંતુ ત્યાર બાદ પણ હોમ અફેર્સ મિનિસ્ટર પીટર ડટન તરફથી કોઇ પ્રત્યુત્તર ન મળતા માંગ કરી રહેલા લોકોની નિરાશામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે આ અંગે સંસદમાં દાખલ કરવામાં આવેલી પિટીશનને મજબૂત પ્રતિસાદ મળ્યો હતો અને લગભગ 11000 જેટલી સાઇન કરવામાં આવી હતી. કેન્દ્રીય સસંદમાં લિબરલ પાર્ટાના સાંસદ સિલીયા હેમન્ડે નવેમ્બર મહિનામાં તેને દાખલ કરી હતી.
SBS News એ જ્યારે આ અંગે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો સંપર્ક કર્યો હતો ત્યારે તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર તેમના નિર્ણયમાં દ્રઢ છે.

A parliamentary petition to change the rules attracted more than 11,000 signatures. Source: Parents are Immediate Family campaign
પરિવારજનોને નહીં મળી શકવાની તેમની પીડા પ્રત્યે સરકારને સહાનુભૂતિ છે પરંતુ હાલમાં મુસાફરીની મંજૂરી માટે નજીકના પરિવારજનોની યાદીમાં માતા-પિતાનો સમાવેશ કરવાની સરકારની કોઇ યોજના નથી, તેમ તેમણે જણાવ્યું હતું.
માતા-પિતાનો નજીકના પરિવાજનોની યાદીમાં સમાવેશ ન થયો હોવાના કારણે સિડની સ્થિત રાજશ્રી પટેલ હાલમાં ભારતના અમદાવાદ શહેરમાં ફસાઇ ગયેલા તેમના દિકરા નિવાનને લગભગ 18 મહિનાથી મળી શક્યા નથી.
SBS Gujarati સાથેની વાતચીતમાં રાજશ્રીએ જણાવ્યું હતું કે, 29મી માર્ચના 2020ના રોજ તેમનો દિકરો નિવાન તેમની માતા સાથે ઓસ્ટ્રેલિયા આવવાનો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરતા તે ત્યાં ફસાઇ ગયો છે.
રાજશ્રીએ જણાવ્યું હતું કે, તેમનો દિકરો ઓસ્ટ્રેલિયન નાગરિક છે પણ તે એકલો મુસાફરી કરી શકે તેવી પરિસ્થિતીમાં ન હોવાના કારણે માતા-પિતા બંનેને મુસાફરીની મંજૂરી માટે અરજી કરી હતી.
પરંતુ, માતાને જ મુસાફરીની મંજૂરી પ્રાપ્ત થઇ છે, પિતાને ઓસ્ટ્રેલિયા પ્રવાસની પરવાનગી મળી શકી નથી.

Nevaan remains in India. Source: Supplied/Rajshree Patel
રાજશ્રીને લાંબી માંદગી હોવાના કારણે પિતા પણ જો તેમની સાથે ઓસ્ટ્રેલિયામાં હોય તો તેમને ઘરના કામ તથા અન્ય બાબતોમાં પિતાની મદદ મળી શકે છે.
રાજશ્રીએ ઉમેર્યું હતું કે, તેઓ માતા તથા પિતા બંનેને અલગ કરવા માંગતા ન હોવાથી માતા એકલા ઓસ્ટ્રેલિયા આવે તે શક્ય નથી.
તેથી જ પિતાને મુસાફરીની મંજૂરી માટે 3 વખત પ્રયત્ન કર્યા છે પરંતુ દરેક વખતે તેમની અરજી નકારવામાં આવી છે, તેમ રાજશ્રીએ જણાવ્યું હતું.