મેલ્બર્ન સ્થિત હરજોત સિંઘ હાલમાં તેમના પિતાની સારસંભાળ રાખવા માટે ભારતમાં છે. વિદેશથી ઓસ્ટ્રેલિયા આવવા પર પ્રતિબંધો હોવાના કારણે તેઓ તેમના પિતાને તેમની સાથે ઓસ્ટ્રેલિયા લાવવા અસમર્થ છે.
હરજોત સિંઘના માતાનું જુલાઇ મહિનામાં અવસાન થયું હતું અને તેમના પિતા ત્યારબાદથી એકલા થઇ ગયા છે અને બિમાર હોવાના કારણે હરજોતની સાથે રહેવું જરૂરી છે.
હરજોત તેમની માતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી શક્યા નહોતા.
છેલ્લા 18 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતા હરજોત સિંઘે SBS Hindi ને જણાવ્યું હતું કે, હું મારી માતાના મૃત્યુનું પ્રમાણપત્ર તાત્કાલિક ઉપલબ્ધ ન થતા ભારત જઇ શક્યો નહોતો. કારણ કે મૃત્યુનું પ્રમાણપત્ર દર્શાવીને જ મુસાફરીમાં છૂટછાટ મેળવી શકાય છે.
પિતા બિમાર હોવાના કારણે તેમણે મુસાફરીમાં છૂટછાટની પરવાનગી માંગી હતી અને ત્યાર બાદ તેમની અરજી મંજૂર થઇ હતી.
મેં હોસ્પિટલનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને ત્યાર બાદ મારી પત્ની અને બાળક સાથે ભારત ગયો હતો.
ભારતમાં સારસંભાળ લઇ શકે તેવી કોઇ વ્યક્તિ ન હોવાના કારણે તેઓ હવે તેમના પિતાને ઓસ્ટ્રેલિયા લાવવા માંગે છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા પિતા વૃદ્ધ અને એકલા છે. તેમની સારસંભાળ રાખવી જરૂરી છે. અને એટલે જ હું તેમને મારી સાથે ઓસ્ટ્રેલિયા લઇ જવા માંગુ છું.
કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયામાં મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. પરંતુ જો તમે ઓસ્ટ્રેલિયન નાગરિક, પર્મેનન્ટ રેસીડન્ટ હોય અથવા તેમના સૌથી નજીકના પરિવારજન હોય તો તમારે મુસાફરીમાં છૂટછાટ લેવાની જરૂર નથી. તમે સીધા જ આ પ્રતિબંધમાંથી બાકાત છો.
ઓસ્ટ્રેલિયામાં સૌથી નજીકના પરિવારજન કોને કહી શકાય
- પતિ કે પત્ની
- ડી ફેક્ટો પાર્ટનલ
- આશ્ચિત બાળક કે બાળકો
- કાયદાકિય વાલી
તેનો મતલબ કે માતા-પિતાનો સૌથી નજીકના પરિવારજનોમાં સમાવેશ કરાયો નથી અને છૂટછાટ કે પરવાનગી વગર તેઓ ઓસ્ટ્રેલિયા મુસાફરી કરી શકતા નથી.
હરજોત સિંઘે જણાવ્યું હતું કે તેમણે ઘણી વખત ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સને મુસાફરીમાં છૂટછાટ માટે અરજી કરી છે પરંતુ તમામ વખત તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ એકલા છે તેના કારણે મુસાફરીમાં છૂટછાટ આપવી યોગ્ય નથી.
તેમણે ઉમેર્યું હતું કે તેમના પિતા સૌથી નજીકના પરિવારજન ન ગણી શકાય તેથી તેઓ વિઝીટર વિસા પર ઓસ્ટ્રેલિયા આવી શકે તેમ નથી.
હરજોત સિંઘ જેવા ઘણા લોકો તેમના માતા-પિતાને ઓસ્ટ્રેલિયા લાવવા માંગે છે પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવે છે.
આ તમામ લોકોએ ભેગા થઇને એક ગ્રૂપ બનાવ્યું છે. હરજોત સિંઘે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સરકાર સ્ત્રીમિત્રને પરિવારજનની યાદીમાં સમાવે છે પરંતુ માતા-પિતાને નહીં. આ તદ્દન ગેરવ્યાજબી છે.
ઓસ્ટ્રેલિયન સિટીઝન અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના માતા-પિતાને સૌથી નજીકના પરિવારજનોની યાદીમાં સામેલ કરવા માટે એક પિટીશન દાખલ કરવામાં આવી છે.
પિટીશનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને પરિસ્થિતીની જાણ છે. આગામી કેટલાક સમય સુધી આ મહામારી પૂરી થવાની નથી અને અમે અમારા પરિવારજનો સાથે કોઇ પણ તહેવારનો આનંદ કે દુ:ખ વહેંચી શકીશું નહીં. આ પરિસ્થિતીની અમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા તેમના દેશના નાગરિકોના માતા-પિતાને તેમની સાથે રહેવાની પરવાનગી આપે છે. જેથી મહામારીના સમયમાં પરિવારજનો એકબીજાની સાથે રહી શકે.
અત્યાર સુધીમાં 5000 લોકોએ આ પિટીશન પર સહી કરી છે.
Share



