ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ કંપની ક્વોન્ટાસે દેશમાં તથા વિદેશમાં કોવિડ-19 પ્રતિરોધક રસીના આંકડાના ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેશનલ કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવેલા ‘Phase C’ રસીકરણના 80 ટકાનો આંકડો ડિસેમ્બર 2021માં હાંસલ કરી શકાય તેવી શક્યતા છે. અને, ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય સરહદો શરૂ થાય તેમ જણાઇ રહ્યું છે.
યુનાઇટેડ કિંગડમ, નોર્થ અમેરિકા અને એશિયાના કેટલાક દેશોમાં રસીકરણના ઉંચા દરને ધ્યાનમાં રાખીને રસી મેળવનારા મુસાફરો માટે પ્રવાસ શરૂ થઇ શકે છે પરંતુ આ તમામ બાબતો ક્વોરન્ટાઇનની જરૂરિયાત, ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણય અને અન્ય દેશોમાં પ્રવેશની સ્થિતી પર આધારિત છે.

Qantas airplanes Source: AAP
- ક્વોન્ટાસના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2021ની મધ્યથી, ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર, અમેરિકા, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા જેવા દેશોમાં ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના છે.
- જે સ્થળોએ રસીકરણનો દર ઓછો છે તથા કોવિડના ચેપનો દર વધુ છે તેવા સ્થળોને એપ્રિલ 2022 સુધી આ યોજનામાંથી બાકાત કરવામાં આવ્યા છે. આ સ્થળોમાં બાલી, જાકાર્તા, મનીલા, બેંગકોક, ફુકેટ, હો ચી મિન્હ સિટી અને જ્હોનિસબર્ગનો સમાવેશ થાય છે.
- ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડિસેમ્બર 2021ની મધ્યથી મુસાફરી શરૂ કરવાની પણ યોજના છે.
- હોંગ કોંગ સાથેની વિમાની મુસાફરી ફેબ્રુઆરીથી શરુ કરવાની તથા સમગ્ર ક્વોન્ટાસ અને જેટસ્ટાર ઇન્ટરનેશનલ નેટવર્કને એપ્રિલ 2022 સુધીમાં ધીરે - ધીરે શરૂ કરવાની યોજના છે.
ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની યોજના અંગે ક્વોન્ટાસ ગ્રૂપના સીઇઓ એલન જોયસે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં લોકડાઉન અમલમાં છે પરંતુ, દેશના રસીકરણના પ્રમાણને ધ્યાનમાં રાખતા આગામી મહિનાઓમાં વધુ છૂટછાટ મળે તેવી શક્યતા છે.
દેશની સરહદો ક્યારે શરૂ કરવી તે નિર્ણય સરકાર પર નિર્ભર છે પરંતુ નેશનલ કેબિનેટના અનુમાન પ્રમાણે વર્ષના અંત સુધીમાં 80 ટકા લોકોને રસી આપવાના લક્ષ્યાંકને હાંસલ કરી શકાય તેવી શક્યતા છે.
ક્વોન્ટાસ રસી લેનારા મુસાફરો માટે IATA ટ્રાવેલ પાસ વિશે પણ વિચારણા કરી રહી છે.
સીઇઓ જોયસે જણાવ્યું હતું કે કંપનીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અગાઉ કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી પરંતુ મહામારીના કારણે તેમાં ઘણી વખત ફેરફાર કરવો પડ્યો હતો. જોકે, હાલમાં જે પ્રમાણે રસીકરણ થઇ રહ્યું છે તેને ધ્યાનમાં રાખતા આ યોજના અમલમાં મૂકાય તેવી શક્યતા છે.