ગ્રાહકોની ફરિયાદો માટે કાર્ય કરતી સંસ્થા CHOICE ના જણાવ્યા પ્રમાણે, ક્વોન્ટાસમાં મુસાફરી કરનારા ગ્રાહકોને તેમના ક્વોન્ટાસ ફ્લાઇટ ક્રેડિટનું રીફંડ મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અગાઉ ક્વોન્ટાસમાં ફ્લાઇટ ટિકીટ બુક કરાવનારા ગ્રાહકો જે-તે સમયે કોવિડ-19ના કારણે તે પ્રવાસ ન કરી શકતા તેમને ફ્લાઇટ ક્રેડિટ આપવામાં આવી હતી પરંતુ, તે ક્રેડિટનો કેટલાક મુસાફરો ઉપયોગ કરી શક્યા નથી.
ફેબ્રુઆરી 2022માં ક્વોન્ટાસ તથા તેની સહયોગી જેટસ્ટાર પાસે ગ્રાહકોના 1.4 બિલિયન ડોલર જેટલા ફ્લાઇટ ક્રેડિટ પોઇન્ટ્સ જમા હતા.
એરલાઇનના જણાવ્યા પ્રમાણે, ક્વોન્ટાસના 7 ટકા તથા જેટસ્ટારના 19 ટકા જેટલા ગ્રાહકોએ જ ક્રેડિટનો ઉપયોગ કર્યો છે.
ફ્લાઇટ ક્રેડિટ વાપરવાની શરતો વધુ કડક
ક્વોન્ટાસે ફ્લાઇટ ક્રેડિટ વાપરવાની શરતો વધુ કડક કરી હોવાથી ઘણા ઓછા લોકો તેનો ઉપયોગ કરી શક્યા છે.
વર્તમાનમાં ગ્રાહકો 30મી સપ્ટેમ્બર 2021 બાદ ટિકિટ બુક કરાવી હોય તો તેમની ફ્લાઇટ ટિકિટ જેટલા અથવા એનાથી વધુ ભાડું હોય તો જ ક્રેડિટનો વપરાશ કરી શકે છે.
તેઓ ઓછું ભાડું હોય તેવી ફ્લાઇટ માટે ફ્લાઇટ ક્રેડિટ વાપરી શકશે નહીં. તે માટે તેમણે નવી ટિકિટ ખરીદવી પડશે.
આ ઉપરાંત, જે ગ્રાહક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેની ક્રેડિટ ધરાવતા હશે તેઓ ડોમેસ્ટિક ફ્લાઇટ માટે તે વાપરી શકશે નહીં.
દાખલા તરીકે, જો કોઇ ગ્રાહકે સિડનીથી મેલ્બર્નની ફ્લાઇટ માટે 500 ડોલરની ટિકિટ ખરીદી હતી અને હાલમાં તેમની કિંમત 475 ડોલર છે તો તે આ ટિકિટ માટે ફ્લાઇટ ક્રેડિટનો ઉપયોગ કરી શકશે નહીં.
તેણે નવી ટિકિટ ખરીદવી પડશે અને ક્રેડિટ વાપરી શકાશે નહીં.
ગ્રાહકોએ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ CHOICE દ્વારા આ અંગે ACCC ને ફરિયાદ કરવામાં આવી છે.

Qantas Group CEO Alan Joyce Source: (AAP Image/Bianca De Marchi)
ક્વોન્ટાસનું નિવેદન
વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં ક્વોન્ટાસની ફ્લાઇટ ક્રેડિટ પોલિસી અંગે વાત કરતા કંપનીના સીઇઓ એલન જોયસે જણાવ્યું હતું કે મુસાફરો પાસે બાકી રહેલી ફ્લાઇટ ક્રેડિટનો ઉપયોગ કરવા માટે ડિસેમ્બર 2023 સુધીનો સમય છે. તેઓ તેનો ડોમેસ્ટિક અથવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે વપરાશ કરી શકે છે.
ક્વોન્ટાસ દ્વારા નક્કી કરવામાં આવેલી પોલિસી ગ્રાહકો માટે લાભદાયી છે તેમ તેમણે ઉમેર્યું હતું.