આજે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ, આઠ અલગ અલગ દરિયાકિનારા પર માનવ સાંકળ બનાવી R U OKની નિશાનીઓ બનાવવામાં આવી હતી. R U OK day નિમિત્તે વન વેવ સંસ્થાના સભ્યો દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું. વન વેવ માનસિક સ્વાસ્થ્ય માટે જાગરૂકતા ફેલાવતો બિન-નફાકારક સર્ફ સમુદાય છે.
સંસ્થાના સ્થાપક ગ્રાન્ટ ટ્રિબેલ્કોએ સાવ અચાનક અને અણધરી રીતે માનસિક બીમારીમાંથી પસાર થયા પછી ૨૦૧૩માં આ સંસ્થા શરૂ કરી.
ગ્રાન્ટ ન્યુ ઝીલેન્ડમાં સર્ફિંગ કરતા, રગ્બી રમતા મોટા થયા. લોકો તેમને ખુશમિજાજ યુવાન તરીકે ઓળખતા. પરંતુ છ વર્ષ અગાઉ તેમને anxiety attack આવ્યો. કોઈ ચોક્કસ કારણ વગર ગભરામણ અને ચિંતા થયા કરે. ડોકટરે સીધી ડિપ્રેશનની સારવાર શરૂ કરી દીધી. એન્ટી ડીપ્રેસન્ટની આડ અસર એવી થઇ કે માત્ર ડીપ્રેશન નહિ તેમણે માનસિક હતાશાની તીવ્ર એવી બાયપોલર(દ્વિધ્રુવી વિકાર)ની સારવાર લેવી પડી. મેનલી હોસ્પિટલના માનસિક સ્વાસ્થ્ય વોર્ડમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ગ્રાન્ટને તે સમયે લાગ્યું કે હવે તેઓ જીવન કયારેય સામાન્ય રીતે નહિ જીવી શકે.
પરંતુ સારવાર પૂરી થતા તેમને દવાખાનામાંથી રજા મળી. ત્યારે જે વસ્તુએ તેમને ફરી આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરી તે હતું સર્ફિંગ. દરિયાના મોજા પર સવારી કરતા ગ્રાન્ટ ફરી એક વાર આનંદ અનુભવતા.
આ અનુભવ પછી ગ્રાન્ટને આશા બંધાઈ કે તેમના દિવસો ફરીથી આનંદમાં પસાર કરી શકશે અને બીજાને મદદ પણ કરી શકશે.
આ અનુભવ સૌની સાથે શેર કરવા તેમણે OneWaveની સ્થાપના કરી. માનસિક સ્વાસ્થ્ય માટે જાગરૂકતા ફેલાવતો બિન-નફાકારક સર્ફ સમુદાય. જેનો સંદેશ હતો one wave is all it takes – દરિયાનું એક મોજું તમને કેટલો આનંદ આપી શકે છે.

OneWave is a non-proft surf community tackling mental health issues Source: One wave Facebook page
સંસ્થાના નેજા હેઠળ તેમણે ફ્લુરો ફ્રાયડે નામનો કાર્યક્રમ શરૂ કર્યો. આજે દર શુક્રવારે સવારે વિશ્વના વિવિધ દરિયાકિનારે સર્ફિંગ કરનારા લોકો ઉડીને આંખે વળગે તેવા ફ્લુરો રંગના કપડા પહેરી દરિયામાં ઝંપલાવે છે. થોડું જુદું લાગતું આ દ્રશ્ય જોવા લોકો ભેગા થાય છે. પ્રેક્ષકોના મોઢા પર સ્મિત તો લાવે પણ સાથે માનસિક સ્વાસ્થ્ય વિષે વાત થાય.
One waveના સભ્યો સર્ફિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્યની ચર્ચામાં રંગ ભરવાનું કામ કરી રહ્યા છે.
ગ્રાન્ટ કહે છે કે માનસિક સ્વાસ્થ્ય મહદઅંશે અદ્રશ્ય રહે છે. કોણ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે તે દેખાતું નથી. વન વેવના સભ્યો ફ્લુરો ફ્રાયડેના માધ્યમ વડે સંદેશ આપી રહ્યા છે “ઇટ્સ ઓકે નોટ ટુ બી ઓકે” હંમેશા ઠીક હોવું જરૂરી નથી.
આ સંસ્થાના ઘણા સભ્યો પોતે માનસિક સ્વાસ્થ્ય માટે સંઘર્ષ કરી ચુક્યા છે.
દા.ત યુકેની એક યુવાન મહિલા ઓસ્ટ્રેલિયા ફરવા આવી હતી .ગુરુવારે રાત્રે બોન્ડાઈ બીચ પર ચાલવા નીકળી. તે માનસિક હતાશાથી પીડાતી હતી અને તેણે જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લીધો હતો. ખિસ્સામાં પથ્થર ભરી તેને પાણીમાં ઊંડે સુધી ચાલવા માંડ્યું. પછી કંઇક વિચાર્યું અને પાછી ફરી ગઈ.
બીજે દિવસે સવારે તે ફ્લુરો ફ્રાયડેમાં ભાગ લેવા આવી. ત્રણ સપ્તાહ સુધી વન વેવના સભ્યો સાથે સર્ફિંગ કર્યા પછી એક શુક્રવારે સવારે તેણે આપવીતી શેર કરી.
સિત્તેર લોકો સામે ઉભા થઇને કહ્યું કે જે રાત્રે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને વિચાર આવ્યો કે આવતીકાલે શુક્રવાર છે અને ફ્લુરો ફ્રાયડે માટે બધા ભેગા થશે. તેને આશા બંધાઈ કે તે કોઈની સાથે વાત કરી શકશે અને તે પાણીમાંથી બહાર નીકળી ગઈ.
માનસિક સ્વાસ્થ્ય દરેકને અસર કરે છે. પછી તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યા માટે નિદાન પામ્યા હોય કે બસ થોડા ખરાબ દિવસોમાંથી પસાર થઇ રહ્યા હોય.
વન વેવનો સંદેશ છે હંમેશા બધું ઠીક હોવું જરૂરી નથી માટે આગળ આવી મદદ માંગો.
જ્યારે તમે કોઈકને માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરતા જુઓ પરંતુ તે વ્યક્તિ મદદ સ્વીકારવા તૈયાર ના હોય ત્યારે તેમની સાથે વાત શરૂ કરવી સૌથી મહત્વનું છે.
‘કેમ છો’ના જવાબમાં લોકો ખાસ કઈ વિચાર્યા વિનાજ ‘મઝામાં’ એમ કહી ડેતા હોય છે. પરંતુ જો તમે પ્રમાણિકતાથી પ્રશ્ન પૂછો અને તમારી લાગણીઓ વિષે વાત કરશો તો સામે પ્રમાણિક પ્રતિસાદ મળવાની શક્યતા વધારે છે.
આજે ૧૩મી સપ્ટેમ્બરે ભલે R U OK day છે પરંતુ દરરોજ આર યુ ઓકે દિવસ બનાવો.
પૂછો "શું તમે ખરેખર ઠીક છો?"
More stories on SBS Gujarati

ડૂબવાના બનાવોની દેશ પર ગંભીર નાણાકીય અસર
Share

