વીસમી સદીની મહાન હસ્તી ગાંધીજીએ દ્રડ નિર્ણય શક્તિ, સત્યાગ્રહ ઉપવાસ, અસહકાર આંદોલન, અહિંસક ચળવળ અને અસ્ખલિત વાણી પ્રવાહથી ભારત દેશને આઝાદી અપાવી હતી.
ગાંધીજીના ભાષણ સાંભળતા બ્રિટિશ સામ્રાજ્ય અંદરખાને કંપી ઉઠતું હતું. તેમણે ભલે પોતાના જીવનમાં હજારોની જનમેદનીને સંબોધિત કરી હોય પરંતુ, જયારે તેમને જીવનના પહેલા કેસમાં મુંબઈની સ્મોલ કોઝ કોર્ટેમાં બોલવાનું થયું હતું ત્યારે તેમના પગ ધ્રૂજી ઉઠ્યાં હતા અને તેઓ કોર્ટ છોડીને બહાર આવી ગયા હતા.
ગાંધીજીએ લંડનમાં ડિગ્રી મેળવી હોવાથી ભારતના સ્થાનિક કાયદાનો અભ્યાસ કરવાનો હતો.
તેમના જણાવ્યા પ્રમાણે, સિવિલ પ્રોસીજર કોડ સમજવામાં તકલીફ પડતી હતી, હિન્દૂ લો વાંચ્યો પણ ચલાવવાની હિંમત જ ન થઇ. અંતે તેમણે મમીબાઈનો કેસ હાથમાં લીધો હતો.
ગાંધીજીને પ્રથમ દિવસે સ્મોલકોઝ કોર્ટમાં પ્રતિવાદીની ઉલટતપાસ કરવાની હતી પરંતુ તેઓ ઉભા થતાં જ તેમના પગ ધ્રૂજવા લાગ્યા હતા. કંઇ બોલી શક્યાં નહી, તેમણે વિચાર્યું કે તેમનાથી આ કેસ લડી શકાશે નહીં અને કોર્ટમાંથી બહાર ભાગી ગયા અને હિમ્મત ના આવી ત્યાં સુધી નવો કેસ ન લડવાનું નક્કી કર્યું. અને, તે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં સુધી કોઇ પણ કેસ લડ્યાં નહીં.
દક્ષિણ આફ્રિકાથી પરત આવીને ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી એક વર્ષ ભારત ભ્રમણ કર્યું - કોઈ જાહેર ભાષણ નહીં માત્ર ત્રણેક જગ્યાએ ઔપચારિક બે ચાર શબ્દો બોલ્યા હશે. ૧૯૧૬ની ૬ ફેબ્રુઆરીએ બનારસ હિન્દૂ યુનિવર્સિટીના ખાત મુહૂર્ત પ્રસંગે ગાંધીજી પહેલી વખત જાહેર મંચ પરથી બોલ્યા અને આખા વિશ્વએ નોંધ લીધી.
કાઠીયાવાડી પાંચ પસાર એટલે કે ધોતિયું -અંગરખું-ખેસ -પાઘડી અને પગરખાં પહેરી ગાંધીજી બોલવા ઉભા થયા હતા. લોક સમાજ, લોક વિચાર, લોક ભાષા જેવા વિષયો પર બોલીને લોકોના મન મોહી લીધા અને કુરિવાજોની ઝાટકણી કાઢી હતી.

MOHANDAS GANDHI (1869-1948). Hindu nationalist and spiritual leader. On the Salt March, 1930. Source: Rühe/ullstein bild via Getty Images
મહાત્માજીએ કહ્યું હતું કે આપણા મંદિરોમાં વિશાળતા અને ચોખ્ખાઈના હોય તો શું કામના? કાશીવિશ્વનાથ મંદિરની આસપાસની ગંદકીની વિષે પણ તેમણે ટીપ્પણી કરી હતી. આપણા કાન -આંખને ગમતું કે ગમતા ભોજન કરતા હૃદયને સ્પર્શે એવી આપણો વ્યવહાર હોવો જોઈએ, તેમ ગાંધીજીએ જણાવ્યું હતું.
તેમણે સભામાં હાજર અંગ્રેજ સરકારના વફાદારો, અમલદારો અને મોટા લોકોને સરેઆમ ઝાટક્યાં હતા. ડો. એની બેસન્ટ ગાંધીજીને ભાષણ બંધ કરવા જણાવ્યું હતું અને ઉંચા અવાજે ભાષણ બંધ કરવાની ચેતવણી આપી ત્યારે સભાજનોએ ભાષણ ચાલૂ રાખવાની બૂમો પાડી હતી.
અંતમાં, ગાંધીજીએ વાઇસરોય પર જોરદાર કટાક્ષ કર્યો હતો. આટલી બધી છૂપી પોલીસ શેના માટે? આટલો અવિશ્વાસ કેમ?
તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ કે કોઇ ધર્મ નહીં પણ યુવાશક્તિ અને જનમાનસ સ્વરાજ અપાવશે. સ્વરાજ માટે ભીખ માંગવાની નહીં પણ યુવાશક્તિની જરૂર છે એવા ક્રાંતિકારી વિચારો રજૂ કરી જનમાનસ પલટ્યૂં હતું.
આમ, જે વ્યક્તિ પ્રથમ વખત જાહેરમાં બોલતી વખતે ગભરાઇ ગયા હતા તેમણે આખી બ્રિટિશ હકૂમતને ધ્રુજાવી હતી.
વિગતો મહાત્મા ગાંધીની આત્મકથા "સત્યના પ્રયોગો", નારાયણ દેસાઇના પુસ્તક "મારું જીવન મારી વાણી" અને ગુજરાત સમાચારના અહેવાલોમાંથી લેવામાં આવી છે.
Share



