હાલમાં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એશિયન ગેમ્સ રમાઇ રહી છે. આ એશિયન ગેમ્સમાં સૌથી રસપ્રદ બાબત એ રહી છે કે તેમાં કુલ 10 જેટલી નવી રમતોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભારતમાં છેલ્લા કેટલાક સમયથી લોકપ્રિય બની રહેલી બ્રિજ ગેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રિજ ગેમ્સે એશિયન ગેમ્સમાં પદાર્પણ કરવાની સાથે જ એક અનોખો રેકોર્ડ પણ બનાવી દીધો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા 79 વર્ષીય રીટા ચોક્સી ભારત તરફથી કોઇ પણ આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ભાગ લઇ રહેલા સૌથી વયસ્ક એથ્લેટ્સ બન્યા છે.
રીટા ચોક્સીએ બ્રિજ ગેમ રમવાની શરૂઆત 1970માં કરી હતી અને તેમણે ચીન, પાકિસ્તાન અને અમેરિકામાં યોજાયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે
હાલમાં એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહેલી 24 સભ્યોની ભારતીય બ્રિજ ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ એશિયન ગેમ્સમાં સૌથી વયસ્ક ખેલાડીઓમાં હોંગકોંગના લી હુંગ ફોંગ સૌથી ટોચ પર છે તેઓ 81 વર્ષની ઉંમરે એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાના સૌથી શ્રીમંત માઇકલ બેમબેંગ હાર્ટોનો પણ 78 વર્ષની વયે બ્રિજ ગેમમાં રમી રહ્યા છે.

Indian Bridge team players at the Asian Games 2018. Source: Prasad Keni
ભારતીય બ્રિજ ટીમમાં રીટા ચોક્સીના સમાવેશ અંગે આનંદ વ્યક્ત કરતાં બ્રિજ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પ્રસાદ કેનીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે બ્રિજની રમત એ બાકી મતોથી ઘણી અલગ છે, તે મગજ સાથે રમવાની ગેમ છે તેમાં ખેલાડીની ઉંમર સાથે કોઇ સંબંધ નથી. રીટા મિક્સ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે અને તેમના તમામ સાથી ખેલાડીઓ પણ 60 વર્ષની આસપાસની ઉંમરના છે.
બ્રિજની રમતનો કોઇ પણ આંતરરાષ્ટ્રીય ગેમ્સમાં સૌ પ્રથમ વખત સમાવેશ થયો છે તે અંગે કેનીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી બ્રિજ ગેમને એશિયન ગેમ્સમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરી રહ્યા હતા અને છેલ્લે 20 વર્ષના અથાગ પ્રયત્ન બાદ એશિયન ગેમ્સમાં બ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Bridge team supporters watch the monitor during the first round in the bridge competition at the 18th Asian Games in Jakarta, Indonesia, 21 August 2018. Source: AAP
"એશિયા પેસિફિક ઝોન તથા એશિયા મિડલ ઇસ્ટ ઝોનમાં આ રમત ખૂબ જ લોકપ્રિય બની રહી છે એશિયન ગેમ્સ દ્વારા બ્રિજ ગેમની લોકપ્રિયતા વધે તેવી આશા છે."
જોકે ઓલિમ્પિકમાં આ રમતના સમાવેશ અંગે કેનીએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં બ્રિજ ગેમનો સમાવેશ હજી ઘણો દૂર છે, અત્યારે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ તેને એશિયન ગેમ્સમાં સામેલ કરી છે તે આ રમતના વિકાસ માટે ઘણું મહત્વનું છે.
ભારતીય ટીમમાં ઉદ્યોગપતિ, આઇઆઇટી પાસઆઉટ્સ ખેલાડીઓ
હાલમાં એશિયન ગેમ્સમાં રમી રહેલી ભારતીય ટીમમાં આઇઆઇટી પાસઆઉટ અજય ખરે, કિરણ નાદર, સ્ટીલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર રાજુ તોલાની તથા ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેઓરાના પત્ની હેમા દેઓરા જેવા ટોચના જાણીતા લોકો ભાગ લઇ રહ્યા છે.
Image
આ અંગે કેનીએ જણાવ્યું હતું કે, "ભારતમાં બ્રિજ ગેમની શરૂઆત બ્રિટિશ શાસનથી થઇ હતી. આર્મી તથા અન્ય સરકારી અધિકારીઓ આ રમત રમતા હતા. ત્યારથી ભારતમાં બ્રિજની રમત લોકપ્રિય થવા લાગી છે."
બ્રિજની રમત ઘણા લાંબા સમય સુધી રમાય છે અને તે રમતમાં ઘણો ખર્ચ થાય છે.

Hand holding cards ready to play bridge Source: Getty Images
તેથી આ રમત બધા વર્ગના લોકો રમતા નથી પરંતુ ભારતમાં અત્યારે 10 હજારથી વધારે લોકો બ્રિજની રમત સાથે સંકળાયેલા છે જેમાં એક હજાર જેટલા ખેલાડીઓ તો વિવિધ પ્રકારની ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. વિવિધ વયજૂથને સમાવતી 15થી 20 ટૂર્નામેન્ટનું ભારતમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે, તેમ કેનીએ જણાવ્યું હતું.
એશિયન ગેમ્સમાં ભાગ લઇ રહેલી ટીમ પાસેથી કેનીને મેડલની આશા છે. તેમના જણાવ્યા પ્રમાણે, હાલમાં મોટાભાગના ખેલાડીઓ ફોર્મમાં છે અને ભારતને બ્રિજ ગેમમાં મેડલ મળે તેવી આશા છે જોકે ચાઇના તથા ઇન્ડોનેશિયાની ટીમ પણ મજબૂત હોવાથી ભારતને વધારે સારી રમત રમવી પડે તેવી શક્યતા છે.
એશિયન ગેમ્સમાં સમાવેશ કરવામાં આવેલી 10 અન્ય રમતો
સામ્બો, પેનકાક સિલાટ, સેપાક ટાકરાવ, બ્રિજ, કબડ્ડી, કુરાશ, ટેનપિન બોલિંગ, જેટ-સ્કી, પેરાગ્લાઇડિંગ અને ડ્રેગન બોટિંગ જેવી રમતો એશિયન ગેમ્સના સામેલ કરવામાં આવી છે.