વિદર્ભના ક્રિકેટર અક્ષય કર્નેવાલે રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રમાયેલી મેચમાં પોતાના બંને હાથ વડે બોલિંગ કરીને ગ્રાઉન્ડની અંદર તથા બહાર લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
તેણે મેચના પ્રથમ દિવસે આ પ્રકારની બોલિંગ કરી હતી.
તેણે જમોણી બેટ્સમેન શ્રૈયસ ઐયર સામે ડાબા હાથ વડે બોલિંગ કરી હતી અને તે ઘણી વખત થાપ ખાઇ ગયો હતો.
ત્યાર બાદ તેણે ડાબોડી બેટ્સમેન ઇશાન કિશન સામે જમણા હાથથી બોલિંગ કરી હતી. જોકે, તેણે બંને વખતે અમ્પાયરને અગાઉથી જણાવ્યું હતું કે તે બે હાથથી બોલિંગ કરવા જઇ રહ્યો છે.
તેની બોલિંગથી ફક્ત ખેલાડીઓ જ નહીં પરંતુ કોમેન્ટેટર્સ પણ પ્રભાવિત થયા હતા.
કોમેન્ટેટર્સે જણાવ્યું હતું કે, "તેની બંને હાથ વડેની બોલિંગ ખરેખર અદભુત છે. આવી પ્રતિભા ઘણા ઓછા લોકોમાં હોય છે."
પોતાની અનોખી પ્રતિભા દ્વારા અક્ષયે લોકોને તેની પ્રતિભા તરફ ધ્યાન આપવા મજબૂર કરીને પોતાની એક અલગ જ છાપ છોડી છે.
આ પ્રથમ વખત નથી કે 26 વર્ષના આ ખેલાડીએ બંને હાથે બોલિંગ કરી હોય.
તેણે 2017માં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ચેન્નાઇમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં પણ બંને હાથથી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
Share



