જે લોકો ડોક્ટરની ડિગ્રી ન ધરાવતા હોય અને ખોટા સર્ટિફીકેટ્સ કે ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતા ઝડપાશે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં 1લી જુલાઇથી આવેલા નવા નિયમ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન ઓથોરિટી નકલી દસ્તાવેજો, સર્ટિફીકેટ કે ડિગ્રી સાથે ફરજ બજાવતા ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી કરશે અને તેમને મહત્તમ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ ફટકારી શકે છે.
50થી વધુ કેસ
2014થી અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન ઓથોરિટીએ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવા લગભગ 50થી પણ વધારે લોકોને નકલી ડોક્યુમેન્ટ્સ કે ડિગ્રી સાથે ઝડપ્યાં છે.
જેમાં કેટલાક લોકો ડેન્ટિસ્ટ, ફાર્માસિસ્ટ, ફિઝીયોથેરાપીસ્ટ અને સાયકોલોજીસ્ટની ડિગ્રી હોવાનું જણાવીને પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા.

Source: AAP Image/Julian Smith
હોમિયોપેથે ગાયનેકોસોજીસ્ટ તરીકે ઓળખ આપી
રાફ્ફાલે ડી પાઓલો મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ તેઓ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા રહ્યા હતા.
તેમણે ઘણા વર્ષો સુધી વિક્ટોરિયા અને ક્વિન્સલેન્ડમાં મહિલાઓને ગાયનેકોલોજીસ્ટ તરીકે પોતાની ઓળખ આપી હતી પરંતુ ખરેખર તેઓ હોમિયોપેથ હતા.
લગભગ એક દશક સુધી તેમણે સેંકડો ઓપરેશન કર્યા હતા. જેમાં પુરુષ અને મહિલા દર્દીઓને બેભાન કર્યા વગર ઓપરેશન કરવા જેવી બેદરકારી પણ સામેલ છે.
ઓથોરિટીએ તેમની સામેના આરોપો સાબિત થયા બાદ 28 હજાર ડોલરનો દંડ ફટકાર્યો હતો.
ડોક્ટર વિશેની જાણકારી મેળવી શકાય
ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન ઓથોરિટીના ચીફ એક્સીક્યુટીવ માર્ટિન ફ્લેટરના જણાવ્યા પ્રમાણે, જો કોઇ પણ વ્યક્તિને ડોક્ટરના ક્વોલિફિકેશન કે તેની ડિગ્રી વિશે શંકા હોય તો તેઓ જાણકારી મેળવી શકે છે.
માર્ટિન ફ્લેચરે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં આરોગ્યને લગતા 16 વ્યવસાયો છે. જેમાં ડોક્ટર, ડેન્ટિસ્ટ, નર્સ, ફાર્માસિસ્ટ, સાયકોલોજીસ્ટનો સમાવેશ થાય છે. દેશમાં કુલ 740,000 રજીસ્ટર્ડ આરોગ્ય અધિકારી છે અને એ તમામની રજીસ્ટ્રેશન વિશેની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ છે. જો જરાય પણ શંકા હોય તો ડોક્ટર વિશેની માહિતી ઓનલાઇન તપાસી શકાય છે.
1 જુલાઇથી નવો નિયમ અમલમાં
1લી જુલાઇ 2019થી ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન ઓથોરિટીએ નકલી ડોક્ટર તરીકે ઝડપાયા બાદ કડક સજા કરવાની જાહેરાત કરી છે. જેમાં ત્રણ વર્ષ સુધીની જેલની અને જંગી દંડની સજા થઇ શકે છે.
અત્યાર સુધી 30 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવતો હતો, જેના વધારીને હવે 60 હજાર જેટલો કરી દેવામાં આવ્યો છે. જો કોઇ સંસ્થા નકલી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઝડપાશે તો તેણે 1 લાખ 20 હજાર ડોલરનો દંડ ભરવો પડશે.
જો ડોક્ટરની લાયકાત પર શંકા હોય તો ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન ઓથોરિટીને 1300 419 495 પર ફોન કરીને અથવા ahpra.gov.au. પર તપાસ કરી શકાય છે.