વિક્ટોરીયન સરકાર દ્વારા હળવા કરવામાં આવેલા નિયંત્રણો અંતર્ગત હવે રાજ્યમાં વસવાટ કરતા બે વયસ્ક લોકો અન્ય ઘરની મુલાકાત લઇ શકશે.
27મી ઓક્ટોબર, મંગળવારે રાત્રીના 11.59 વાગ્યાથી, ઘરે એકલા ન મૂકી શકાય તે નાની ઉંમરના બાળકો કે અન્ય કારણોસર એકલા મૂકી ના શકાય તેવા વયસ્ક વ્યક્તિને સાથે લઇ બે વ્યસ્ક લોકો હવે તેમના ઘરની 25 કિલોમીટરની મર્યાદામાં અન્ય ઘરની મુલાકાત લઇ શકશે.
જોકે, દિવસમાં એક જ વખત એક અન્ય ઘરની મુલાકાત લઇ શકાશે અને યજમાન પણ એક જ ઘરના સભ્યોને તેમના ઘરે આવકારી શકશે.
ઘરની મુલાકાત લેનારા તમામ લોકોની માહિતી નોંધવાનો સરકારે આગ્રહ કર્યો છે. જેથી વાઇરસનું સંક્રમણ થાય તો તેમનો તાત્કાલિક સંપર્ક કરી શકાય.
આ ઉપરાંત, આઉટડોર સ્થળે 10થી વધારે લોકોને ભેગા થવાની પરવાનગી અમલમાં મૂકવામાં આવશે.
વિક્ટોરીયામાં મંગળવારે પણ કોરોનાવાઇરસનો એક પણ કેસ કે મૃત્યુ નોંધાયું નહોતું. માર્ચ 2020 બાદ પ્રથમ વખત એમ બન્યું છે કે સતત બે દિવસ સુધી રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.
મેલ્બર્નની છેલ્લા 14 દિવસની કોરોનાવાઇરસના કેસની સરેરાશ 2.8 છે જ્યારે રીજનલ વિક્ટોરીયામાં કેસની સંખ્યા 0.2 છે.
રાજ્યમાં હાલમાં 87 કેસ સક્રિય છે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે સોમવારે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું લોકડાઉન 27મી ઓક્ટોબર મંગળવારે રાત્રે 11.59 વાગ્યે સમાપ્ત થવા જઇ રહ્યું છે અને તે સાથે જ મેલ્બર્નના રીટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર શરૂ થવા જઇ રહ્યા છે.
Share


