વિક્ટોરિયાના કેટલાક પ્રદેશોમાં આજથી ફાયર ડેન્જર પીરિયડ શરૂ થયો છે. દિવસ દરમિયાન અને આવનાર દિવસોમાં તાપમાનમાં ઝડપી વધારો જોવા મળશે.
ગયા ગુરુવારે વીજળી પડવાથી આગ લાગી હતી તે પવનથી ફેલાઈ છે અને હાલ 60 અલગ અલગ સ્થાને આગ ભડકી રહી છે.
વિક્ટોરિયાના અગ્નિશામકો રાજ્યના ઉત્તરપૂર્વી અને ગિપસલેન્ડ પ્રદેશોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા મથી રહ્યા છે. ઉપરાંત આજના દિવસ દમિયાન અગ્નિશામકોની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે.
તોફાની પવન અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે પૂર્વ ગિપ્સલેન્ડ અને ઉત્તર-પૂર્વ વિક્ટોરિયામાં 20 થી વધુ બુશફાયરને નિયંત્રિત કરવાનું પડકારરૂપ સાબિત થઇ રહ્યું છે.
બપોર પછી પવનની દિશા પણ બદલાવાની આગાહી છે તેથી આજે પશ્ચિમ અને મધ્ય વિક્ટોરિયામાં ટોટલ ફાયર બેન જાહેર કરવામાં આવ્યું છે.
CFAએ 40 અન્ય વિસ્તારો માટે અગ્નિના ઉપયોગ પર અલગ અલગ પ્રતિબંધો મુક્યા છે, જેમાં આલ્પાઇન, બેનાલા, સેન્ટ્રલ ગોલ્ડફિલ્ડ્સ અને ગ્રેટ બેન્ડિગો પ્રદેશોનો સમાવેશ થાય છે. તમારા વિસ્તારમાં લાગુ થયેલા પ્રતિબંધ જાણવા CFA અથવા વિક્ટોરિયા ઇમરજન્સીની મુલાકાત લો.
ઇમરજન્સી સેવાઓએ પૂર્વ ગિપ્સલેન્ડમાં લોકોને આગની ચેતવણીઓ પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે.
માઉન્ટ બોગોંગ પરના તમામ ટ્રેક ચાલકો માટે બંધ કરી દેવાયા છે.
સામાન્ય રીતે આવા પ્રતિબંધો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લાદવામાં આવે છે પરંતુ વરસાદના અભાવે સુકું ઘાસ અને સુકા પડી ગયેલા ઝાડ બળતણ બની ગયા છે અને આગને ફેલાવી રહ્યા છે.
અન્યત્ર, 60 બશફાયર્સ હજી પણ ન્યૂ સાઉથ વેલ્સમાં સળગી રહ્યા છે, જેમાંની લગભગ 30 આગ નિયંત્રણ બહાર છે.
પ્રીમિયર ગ્લેડીઝ બેરેજિક્લીઅને બુશફાયર પછીના પુનર્વસન પ્રયાસો માટે 48 મિલિયન ડોલરની મદદ જાહેર કરી છે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્તપણે પૂરી પાડવામાં આવશે- નાના ઉદ્યોગો અને ખેડુતોને સહાય કરવા માટે 10,000 થી 15,000 સુધીની ગ્રાંટનો સમાવેશ છે.
કેનબેરામાં, પર્યાવરણીય જૂથ ક્લાઇમેટ એક્ટિવ ઓસ્ટ્રેલિયા આબોહવાના પરિવર્તન પર સરકારની નિષ્ક્રિયતા સામે પ્રદર્શન કરશે. વર્ષના અંતિમ સંસદીય પખવાડિયા માટે કેનબેરા પરત ફરતા રાજકારણીઓ પાસે બુશફાયર્સથી ઉભા થયેલા પ્રશ્નો અને મુશ્કેલીઓનો જવાબ માંગવામાં આવશે.
Share


