ન્યુ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડમાં આવેલા કેટલાક Airbnb યજમાનોએ બુશફાયર્સથી અસરગ્રસ્ત લોકો માટે તેમના ઘર ખુલ્લા મૂકી દીધા હતા.
ઓપન હોમ્સ દ્વારા Airbnb પર નોંધાયેલા ઘરો બચાવ કાર્યકરોને અને જેમના ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા તે કુટુંબોને મફતમાં રાત રોકાવાની ઓફર કરી રહ્યા હતા.
એક અંદાજ પ્રમાણે ૩૫૦ મકાન માલિકોએ આ રીતે નિશુલ્ક સેવાની ઓફર કરી હતી.
એબી મીયોગ સામાન્ય રીતે સ્વયંસેવી અગ્નિશામક દળમાં શામેલ થઇ મદદ કરતા હોય છે પરંતુ હાલ તેમના બે બાળકો નાના છે તેથી તેઓ SESમાં જોડાઈ શક્યા નહિ. જયારે તેમને ઓપન હોમ્સ પહેલ વિષે જાણ થઇ તો તેમણે તરતજ તેમનું ઘર Airbnb પર લીસ્ટ કરાવી દીધું.
ઓપન હોમ્સની શરૂઆત ૨૦૧૨માં અમેરિકામાં સેન્ડી વાવાઝોડા બાદ થઈ હતી. તો ૨૦૧૮માં ક્વિન્સલેન્ડ બુશફાયર્સ સમયે તેની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઇ.
શ્રીમતી મિઓગ કહે છે કે ઓપન હોમ્સ પર પોતાનું મકાન નોંધાવવું આપત્તિ દરમિયાન મદદ કરવાનો એક સરળ રસ્તો હતો.
“જો બધા ફાજલ ઓરડાઓ કટોકટી સમયે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હોત તો અગ્નિશામક દળો અને રાહત કાર્યકરો પર તાણ ઓછું કરી શકાયું હોત. બેઘર થયેલા પરિવારોની થોડી કાળજી અન્ય પરિવારો ઉપાડી લે તો રાહત કાર્યકરો બીજા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે."

Source: AAP
ન્યુ સાઉથ વેલ્સમાં બુશ ફાયર પર પુરેપુરો કાબુ કરવામાં મહિનાઓ લાગશે એવું અનુમાન છે ત્યારે ન્યૂ સાઉથ વેલ્સ રૂરલ ફાયર સર્વિસ અને ક્વીન્સલેન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જે કાર્યકરોએ સૌથી આગળ રહી આગનો મુકાબલો કર્યો છે તેમને ઓપન હાઉસ મફત આવાસ પણ આપી રહી છે.
Airbnbના ઓસ્ટ્રેલિયા ખાતેના કન્ટ્રી મેનેજર સુઝન વ્હિલ્ડને કહ્યું
થાકેલા અગ્નિશામકો અને સ્વયંસેવકો પોતાના ઘરથી દૂર છે, પરિવારને દિવસો સુધી મળી શકતા નથી, મર્યાદિત પુરવઠો ધરાવતા વિસ્તારોમાં હોઈ શકે છે, ત્યારે તેમને રાત રોકાવા કે આરામ કરવા પોતાના ઘરમાં સગવડ આપી આપણે પુનર્વસન કાર્યોમાં મદદ કરી શકીએ છીએ.

Weary firefighters take a break from battling bushfires in Nana Glen, near Coffs Harbour Source: AAP
રક્તદાન
બુશ ફાયરમાં ઈજાગ્રસ્ત લોકો માટે આગળ આવી રક્તદાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
આગના કારણે ન્યુ સાઉથ વેલ્સમાં કોફ્સ હાર્બર, પોર્ટ મક્વાયરી અને બાયરન બેના કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી છે.
એક અંદાજ પ્રમાણે આખા ઓસ્ટ્રેલિયા માટે અનિવાર્ય રક્તનો પુરવઠો મોટે ભાગે ન્યુ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ થી જાય છે તેથી આ બે રાજ્યોમાં કટોકટીને કારણે આવનાર દિવસોમાં રક્તની અછત ઉભી થવાની સંભાવના છે.
રેડ ક્રોસ બ્લડ સર્વિસના પ્રવક્તા હેલન વોલ્શે જણાવ્યું હતું કે આશા છે કે બાકીનો રાજ્યોમાંથી અને અસરગ્રસ્ત રાજ્યોના જે લોકો રક્તદાન કરી શકે તેમ છે તે આગળ આવે.
13 14 95 પર ફોન કરો અથવા તમારા નજીકના દાતા કેન્દ્ર શોધવા અને તમારી એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે donateblood.com.au ની મુલાકાત લો .
કપડાનું વિતરણ
થ્રેડ ટુગેથર એક ચેરિટેબલ જૂથ છે જે કપડાના છૂટક વેચાણકારો પાસેથી નવા અને વધેલા કપડાં એકઠા કરી એવા લોકોને પહોચાડે છે જેમનું સર્વસ્વ આગમાં હોમાઈ ગયું છે કે પછી આગની ચેતવણી મળતા જેને પહેરેલે કપડે નાસવું પડ્યું છે.
આ સંસ્થા વિતરણ માટે વિવિધ વિસ્તારોમાં નવા ભાગીદારો શોધી રહી છે જેથી કપડાં પ્રાપ્ત કરવામાં અને રહેવાસીઓને વિતરણ કરવામાં મદદ મળી શકે.

Thread Together makes new and excess clothing available to communities doing it tough. Source: Thread Together
જો તમે કે તમારી કંપની વિતરણમાં મદદ કરી શકે તેમ હોવ તો Thread Togetherનો 1300 003 789 પર સંપર્ક કરો અથવા email કરો info@threadtogether.org