વિક્ટોરીયામાં મંગળવારે કોવિડ-19ના નવા 13 કેસ નોંધાયા હતા.
સામુદાયિક સંક્રમણની સંખ્યા કાબુમાં ન આવતા રાજ્યના પ્રીમિયરે મંગળવારે રાત્રીથી સમાપ્ત થઇ રહેલા લોકડાઉનને વધુ 7 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન 27મી જુલાઇએ મધ્યરાત્રીએ સમાપ્ત થશે તેમ પ્રીમિયરે જણાવ્યું હતું.
રાજ્યમાં હાલમાં કુલ 96 સક્રિય કેસ છે. કોવિડ-19નો ચેપ ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં કુલ 18,000 જેટલા લોકો આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં વિક્ટોરીયામાં 49,454 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે 17,083 લોકોનું કોવિડ-19 સામે રસીકરણ કરવામાં આવ્યું હતું.
પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે આગામી 2 અઠવાડિયા સુધી વિક્ટોરીયા - ન્યૂ સાઉથ વેલ્સની સરહદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીવન જરૂરીયાતના ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓ તથા માનવતાના ધોરણે પ્રવેશ માટે નવી અરજી કરવી પડશે.
રાજ્યના વેપાર-ઉદ્યોગો માટે સહાય પેકેજની બુધવારે જાહેરાત થશે
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના 90,000 વેપાર - ઉદ્યોગોને નાણાકિય સહાય ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
પરંતુ લોકડાઉન લંબાવવામાં આવતા વધુ સહાય અંગે બુધવારે જાહેરાત કરવામાં આવશે.

The death was announced by South Australian Premier Steven Marshall. Source: AAP
સાઉથ ઓસ્ટ્રેલિયામાં પણ સાંજે 6 વાગ્યાથી લોકડાઉન
સાઉથ ઓસ્ટ્રેલિયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 5 કેસ નોંધાતા રાજ્યના પ્રીમિયર સ્ટીવન માર્શલે સમગ્ર રાજ્યમાં 20મી જુલાઇ સાંજે 6 વાગ્યાથી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યના આરોગ્ય અધિકારીઓએ ડેલ્ટા પ્રકારના સંક્રમણને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા સુધી લોકડાઉન અમલમાં મૂક્યું છે. રાજ્યમાં હાલમાં કોવિડ-19ના સંક્રમણનો ભય ધરાવતા સ્થળોની સંખ્યા 16 થઇ છે.
જે અંતર્ગત 5 કારણોસર ઘર બહાર જઇ શકાશે.
- સાર સંભાળ લેવા કે આપવા
- જરૂરી કાર્ય માટે
- જીવન જરૂરિયાતના સામાનની ખરીદી કરવા
- આરોગ્ય સુવિધા માટે કે રસી લેવા
- કસરત કરવા - એક જ પરિવારના સભ્યો સાથે કસરત કરી શકાશે.
આ ઉપરાંત, રાજ્યમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે બુધવારથી શાળાઓ બંધ કરવામાં આવશે. ઇલેક્ટીવ સર્જરી તથા બાંધકામના ક્ષેત્રો લોકડાઉનના સમયમાં કાર્ય કરી શકશે નહીં.