વિક્ટોરીયાના પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓને વાવાઝોડાની ચેતવણી વચ્ચે ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
વિક્ટોરીયાના માલી, સાઉથ વેસ્ટ અને વિમ્મેરા વિસ્તારમાં લોકોએ ગુરુવારે થન્ડરસ્ટ્રોર્મ અસ્થમાની પરિસ્થિતીનો સામનો પણ કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, વાવાઝોડાના પવન તથા ઘાસના પોલન - રજકણોના કારણે લોકોને દમ (અસ્થમા) ની પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે છે.
વિક્ટોરીયા રાજ્યમાં હાલમાં દૈનિક કોવિડ-19 ચેપની સંખ્યામાં વધારો થયો છે અને રાજ્યની હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના ડેપ્યુટી ચીફ હેલ્થ ઓફિસર એન્ગી હોને જણાવ્યું હતું કે, આ પરિસ્થિતીમાં લોકો સુરક્ષિત રહે તથા તેમના આરોગ્યનું ધ્યાન રાખે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે થન્ડરસ્ટ્રોર્મ અસ્થમા સામાન્ય રીતે ઓક્ટોબરથી ડીસેમ્બરના સમયગાળામાં થાય છે. વર્ષ 2016માં 21મી નવેમ્બરે વિક્ટોરીયામાં થન્ડરસ્ટ્રોર્મ અસ્થમાના કારણે 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
રાજ્યનો આરોગ્ય તથા આપાતકાલિન વિભાગ પરિસ્થિતી પર નજર રાખી રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
Melbourne Pollen Count ના જણાવ્યા પ્રમાણે, ઇસ્ટ ગીપ્સલેન્ડ, માલી, નોર્થ ઇસ્ટ, નોધર્ન કન્ટ્રી તથા વિમ્મેરામાં ગુરુવારે હવામાં પોલનનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
મેલ્બર્ન સહિત રાજ્યના ભાગોમાં પણ પોલનનું પ્રમાણ ઉંચુ જાય તેવી આગાહી કરવામાં આવી છે.
જેના કારણે રાજ્યના સાઉથ વેસ્ટ, માલી તથા વિમ્મેરા વિસ્તારમાં થન્ડરસ્ટ્રોર્મ અસ્થમાનું જોખમ ઉત્પન્ન થઇ શકે છે. જ્યારે મેલ્બર્ન, બેન્ડિન્ગો તથા શેપર્ટનમાં જોખમનું પ્રમાણ મધ્યમ રાખવામાં આવ્યું છે.
લોકોને ઘર બહાર નહીં જવાની તથા તેમને જો અસ્થમાની પરિસ્થિતીનો સામનો કરવો પડે તો યોગ્ય સાધનસામગ્રી તેમની સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
અસ્થમા તથા રજકણોના કારણે તાવ, માથાનો દુખાવો થતો હોય તેવા લોકો માટે જોખમ વધી શકે છે.
જો કોઇ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમાનો હુમલો આવે તથા કોઇ પણ મદદ ઉપલબ્ધ ન હોય તો તાત્કાલિક ધોરણે 000 નો સંપર્ક કરવો.
ALSO LISTEN - જાણો થન્ડરસ્ટ્રોર્મ અસ્થમાના રોગ વિશે
જેને દમનો રોગ નથી તેમને પણ થન્ડરસ્ટોર્મ અસ્થમા થઇ શકે છે