કોરોનાવાઇરસના ઉલ્લંઘન બદલ વિક્ટોરીયા પોલીસે શનિવારે 270 લોકોને દંડ ફટકાર્યા હતા.
વિક્ટોરીયા પોલીસના જણાવ્યા પ્રમાણે, 268 વ્યક્તિગત દંડનો સમાવેશ થાય છે. જેમાં કર્ફ્યુના નિયમોના ઉલ્લંઘન બદલ 77, જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરવા બદલ 38 લોકોને દંડ કરવામાં આવ્યો હતો.
જ્યારે, ચેક પોઇન્ટ પરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 13 વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મિત્રને મદદ કરવા બદલ દંડ મળ્યો
મળતી વિગતો પ્રમાણે, એક વ્યક્તિ તેના મિત્રને ટેલિવીઝનની હેરાફેરી કરવા માટે મદદ કરી રહી હતી તે સમયે પોલીસે તેને દંડ કર્યો હતો.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે મેલ્બર્નના ડોન્કાસ્ટર ઇસ્ટથી 27 કિલોમીટર દૂર ડાન્ડેનોંગ ખાતે મિત્રને ટેલિવીઝનની હેરાફેરી માટે મદદ કરી હતી અને બર્ગર ખાવા માટે તે એક આઉટલેટ ખાતે રોકાયો હતો.
આ ઉપરાંત, મધ્ય વિક્ટોરીયામાં માઉન્ટ એલેકઝાન્ડર ખાતે ઘરના બેકયાર્ડમાં ફૂટીની મેચ જોવા માટે ચાર મિત્રોને આમંત્રિત કરવા બદલ એક વ્યક્તિને પોલીસે દંડ કર્યો હતો.
મેલ્બર્નમાં હાલમાં રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ હોવા છતાં પણ એક વ્યક્તિ રાત્રે 2 વાગ્યે તેના મિત્રો સાથે પબમાંથી ડ્રીન્ક કરીને બહાર નીકળતા પોલીસે તેને દંડ કર્યો હતો.

Victoria Police patrolling the streets of Melbourne. Source: AAP
રવિવારે વિક્ટોરીયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ ઘટનાઓ છેલ્લા 24 કલાકમાં નોંધાઇ હતી.
પોલીસે રાજ્યમાં 3841 જેટલા ઘર, વેપાર – ઉદ્યોગો અને જાહેર સ્થળોએ ચેકિંગ પણ હાથ ધર્યું હતું.
સ્ટેજ 4ના પ્રતિબંધો અંતર્ગત, મેટ્રોપોલિટન મેલ્બર્નમાં લોકોએ દરરોજ રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુના નિયમોનું પાલન કરી ઘરે જ રહેવું જરૂરી છે.
તેઓ નોકરી અર્થે, સાર સંભાળ માટે તથા આરોગ્ય સેવાનો લાભ લેવા માટે જ ઘરની બહાર જઇ શકે છે.
આ ઉપરાંત, અન્ય સમય દરમિયાન ઘરથી માત્ર પાંચ કિલોમીટરના અંતરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી અને કસરત કરવા માટે જઇ શકાય છે.
વિક્ટોરીયાના રહેવાસીઓએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત છે.
- ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
- મેટ્રોપોલિટન મેલ્બર્નના રહેવાસીઓએ સ્ટેજ 4ના પ્રતિબંધો અંતર્ગત રાત્રે 8થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનું પાલન કરવું પડશે. પ્રતિબંધો વિશેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવી શકાશે. https://www.dhhs.vic.gov.au/updated-restrictions-announcement-2-august-covid-19
- જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
- સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
Share



