આ સપ્તાહે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાની રાજ્ય સરકારો તરફથી મનોરંજન અને પ્રવાસન ઉદ્યોગને ફરીથી વેગ આપવા ગિફ્ટ વાઉચરની યોજના જાહેર થઈ છે.
વિક્ટોરીયન સરકાર કોરોનવાઇરસની મહામારી કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજ્યના પ્રવાસન ઉદ્યોગને ફરીથી બેઠું કરવા માટે યોજના અમલમાં લાવી રહી છે.
જે અંતર્ગત વિક્ટોરીયાના રહેવાસીઓને વ્યક્તિગત 200 ડોલરના કુલ 120,000 વાઉચર આપવામાં આવશે.
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે 465 મિલિયન ડોલરના ટુરિઝમ પેકેજ અંતર્ગત આ વાઉચર આપવામાં આવશે.
વિક્ટોરીયાના રહેવાસીઓ પ્રવાસન સ્થળો પર રહેવાની સુવિધા, મનોરંજન સ્થળો તથા રીજનલ વિક્ટોરીયાની મુલાકાત દરમિયાન ઓછામાં ઓછા 400 ડોલર ખર્ચ કરશે તો તેમને આ યોજનાનો લાભ મળશે.
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે ઉમેર્યું હતું કે, વાઉચર યોજના અમલમાં મૂકવાના કારણે વિક્ટોરીયાના રહેવાસીઓ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પ્રોત્સાહિત થશે અને તેના કારણે પ્રવાસન ઉદ્યોગને કોરોનાવાઇરસની પરિસ્થિતીમાંથી ફરીથી બેઠું થવા માટે વેગ મળશે.

Cars on the Great Ocean Road in Victoria. Source: AAP
વાઉચર યોજનાના અંતિમ માળખા અંગે વિવિધ પ્રવાસન ગ્રૂપ્સ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે પરંતુ પ્રીમિયરના જણાવ્યા પ્રમાણે આ યોજના ક્રિસમસની રજાઓ દરમિયાન અમલમાં મૂકાય તેવું અનુમાન છે.
વિક્ટોરીયન સરકારની અન્ય યોજનાઓ
- 47.5 મિલિયન ડોલરના ફંડથી ગ્રેટ ઓશન રોડ પર વધુ સુવિધા વિકસાવાશે.
- ગીપ્સલેન્ડને 18.5 મિલિયન ડોલરના ફંડની ફાળવણી, જેના દ્વારા ત્યાં રહેવાની નવી સુવિધાઓ તથા ઇસ્ટ ગીપ્સલેન્ડ રેલ નેટવર્કમાં સુધારો
- કેપ કોનરોન કોસ્ટલ પાર્ક ખાતે 3.5 મિલિયન ડોલરના ખર્ચે સુવિધા વિકાવાસે
- 15 મિલિયન ડોલરના ફંડની મદદથી ફોલ્સથી હોથામ અલ્પાઇન ક્રોસિંગના રસ્તામાં સમારકામ
આ તમામ યોજના આગામી 12 મહિનામાં જ અમલમાં મૂકવાની યોજના હોવાનું પ્રીમિયરે જણાવ્યું હતું.

The sails of the Sydney Opera House set against the Sydney Harbour Bridge in Sydney. Source: AAP Image/Dean Lewins
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના રહેવાસીઓને 100 ડોલરના વાઉચર આપશે
ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ રેસ્ટોરન્ટ્સ અને મનોરંજન સ્થળોની મુલાકાત દરમિયાન ખર્ચ કરી શકે તે માટે તેમને સરકારની 500 મિલિયન ડોલરની યોજના અંતર્ગત 100 ડોલરના વાઉચર આપવામાં આવશે.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, દરેક વયસ્ક વ્યક્તિને 25 ડોલરના કુલ ચાર વાઉચર અપાશે. જેને રેસ્ટોરન્ટ્સ, મનોરંજન સ્થળ તથા કલ્ચરલ કાર્યક્રમો દરમિયાન વાપરી શકાશે.
- રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, 18 વર્ષથી મોટી ઉંમરના તમામ રહેવાસીઓને 4 વાઉચર અપાશે.
- જેમાંથી 2 વાઉચર રેસ્ટોરન્ટ્સ અને કેફેમાં ખાદ્યપદાર્થોની ખરીદી પર તથા અન્ય બે વાઉચર મનોરંજન તથા સિનેમા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વાપરી શકાશે.
- ચાર વાઉચર ભેગા કરી શકાશે નહીં અને તેનો એક જ વખત ઉપયોગ થઇ શકશે. દાખલા તરીકે - જે-તે વસ્તુનો ખર્ચ 25 ડોલરથી ઓછો હશે તો વાઉચરમાં બાકી રહેલું બેલેન્સ ફરીથી વાપરી શકાશે નહીં.
- વાઉચરનો ઉપયોગ રીટેલ, આલ્કોહોલ, જુગાર અથવા સિગારેટની ખરીદીમાં કરી શકાશે નહીં.
- પ્રવાસન સ્થળે રહેવાની જગ્યા માટે તેનો ઉપયોગ થઇ શકશે નહીં.
વાઉચર Service NSW દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને વર્ષ 2021ની શરૂઆતથી તેનો ઉપયોગ કરી શકાય તેવું અનુમાન છે.
Share


