વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતા રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયંત્રણો અમલમાં મૂકવાની જાહેરાત કરાઇ છે.
બુધવારે રાજ્યમાં કોરોનાવાઇરસના 3 કેસ નોંધાયા હતા. મેલ્બર્નના મિચામ, હેલ્લમ અને મેન્ટનમાં કોરોનાવાઇરસના કેસનું નિદાન થતા રાજ્યમાં સતત 61 દિવસથી એક પણ કેસ નહીં નોંધાવાની પરંપરા તૂટી છે.
એક્ટીંગ પ્રીમિયર જેસિન્ટા એલને ગુરુવાર સાંજે 5 વાગ્યાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નવા પ્રતિબંધો અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.
- સાંજે 5 વાગ્યાથી કોઇ એક ઘરમાં મુલાકાતીઓની સંખ્યા 30થી ઘટાડીને 15 કરી દેવામાં આવી છે.
- ઇન્ડોર સ્થળો પર પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
બહાર જતી વખતે માસ્ક સાથે રાખવું હિતાવહ છે તેમ એક્ટીંગ પ્રીમિયરે જણાવ્યું હતું.
21મી ડિસેમ્બરે બ્લેક રોક પર આવેલી સ્માઇલ બફેલો થાઇ રેસ્ટોરન્ટની મુલાકાત લેનારને તાત્કાલિક ટેસ્ટ કરાવીને આઇસોલેટ થવાનું જણાવાયું છે.
વિક્ટોરીયન સરકારે સંક્રમણની શક્યતા દર્શાવતા અન્ય સ્થળોની પણ યાદી જાહેર કરી છે. જેમાં ફાઉન્ટેન ગેટ શોપિંગ સેન્ટર તથા હોલી ફેમિલી પેરિશ ડોવેટોન કેથલિક ચર્ચનો પણ સમાવેશ થાય છે.
વિક્ટોરીયન આરોગ્ય વિભાગને રાજ્યમાં નોંધાયેલા નવા કેસ ન્યૂ સાઉથ વેલ્સના કેસ સાથે સંકળાયેલા હોવાની શંકા છે.
સરકારે ન્યૂ સાઉથ વેલ્સના વોલોન્ગોંગ અને બ્યૂ માઉન્ટેન્સ વિસ્તારમાંથી રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 27મી ડીસેમ્બર બાદથી તે વિસ્તારોની મુલાકાત લેનારા લોકોએ નવા વર્ષની મધ્યરાત્રિ સુધીમાં રાજ્યમાં પ્રવેશ કરવો જરૂરી છે.
1લી જાન્યુઆરીથી તે વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને રાજ્યમાં પ્રવેશ મળશે નહીં તેમ સરકારે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.
જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
તમારા રાજ્ય કે ટેરીટરીમાં મુસાફરીના દિશાનિર્દેશ વિશે અહીંથી માહિતી મેળવો - NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.
Share


