વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં સામુદાયિક સંક્રમણથી 12 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 34 થઇ છે.
અને, રાજ્યમાં કોરોનાવાઇરસનું સંક્રમણ ન વધે તે માટે સરકારે આગામી 7 દિવસ સુધી સર્કિટ-બ્રેકર લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના એક્ટીંગ પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40,411 ટેસ્ટ કરવામાં આવ્યા.
રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાવાઇરસનું સંક્રમણ ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવેલા લગભગ 10,000 લોકોનો સંપર્ક કરી તેમને ક્વોરન્ટાઇન, ટેસ્ટ અથવા આઇસોલેટ થવાનો આદેશ અપાયો હોવાનું ઉમેર્યું હતું.
રાજ્યમાં બ્રાઇટન, ચેલ્થેનહામ, વેરીબી, એસ્કોટવેલ તથા ઇસ્ટ કોબર્ગ વિસ્તારમાં કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા માટે સાઇટ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં 7 દિવસ સુધી સર્કિટ બ્રેકર લોકડાઉન
વિક્ટોરીયામાં 27મી મે રાત્રે 11.59 વાગ્યાથી 3જી જૂન 11.59 વાગ્યા સુધી કડક લોડકાઉન અમલમાં આવશે. જે અંતર્ગત, 5 કારણોસર જ ઘરની બહાર જઇ શકાશે.
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી
- નોકરી અથવા અભ્યાસ માટે
- એક વ્યક્તિ 2 કલાક સુધી કસરત કરવા
- સારસંભાળ લેવા અથવા આરોગ્ય સાથે સંકળાયેલા કારણોસર
- રસી લેવા માટે ઘરની બહાર જઇ શકાશે.
ચીજવસ્તુની ખરીદી તથા કસરત માટે પાંચ કિલોમીટરની મર્યાદા લાગૂ હોવાનું મેર્લિનોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, રાજ્યમાં તમામ ઇન્ડોર અને આઉટડોર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

People wait for COVID tests in Melbourne on Wednesday, 26 May. Source: AAP
લાદવામાં આવેલા અન્ય કેટલાક નિયંત્રણો
- કોઇ પણ વ્યક્તિ અન્ય ઘરની મુલાકાત લઇ શકશે નહીં.
- જાહેર મેળાવડા પર પ્રતિબંધ
- રેસ્ટોરન્ટ્સ, કેફે, પબ્સ ફક્ત ટેક-અવે ફૂડ જ ઉપલબ્ધ કરાવી શકશે.
- જરૂરીયાત ધરાવતા રીટેલ, સુપરમાર્કેટ્સ, ફૂડ સ્ટોર્સ, પેટ્રોલ સ્ટેશન, બેન્ક, બોટલ શોપ તથા ફાર્મસી અને અન્ય રીટેલ દુકાનો કાર્યરત રહી શકશે.
- અગાઉથી જ મંજૂરી મેળવનારી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજી શકાશે પરંતુ પ્રેક્ષકોને મંજૂરી નહીં.
- શાળામાં અભ્યાસ કરતા બાળકો ઘરેથી જ અભ્યાસ આગળ વધારી શકશે, જરૂરિયાત ધરાવતા બાળકો શાળાએ આવી શકશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ઓનલાઇન શિક્ષણ થશે
- હોટલ્સ, ક્લબ્સ, ટેબ્સ અને કેસિનો બંધ રહેશે
- ચોક્કસ કારણો સિવાય એજ કેર સુવિધાની કોઇ પણ વ્યક્તિ મુલાકાત લઇ શકશે નહીં.
- વિધી કરાવનારા લોકો ઉપરાંત 10 લોકો સાથે અંતિમ સંસ્કારને મંજૂરી
- ચોક્કસ કારણો સિવાય લગ્નસમારંભને મંજૂરી નહીં.
- ધાર્મિક ક્રિયામાં 5 લોકોને મંજૂરી
રાજ્યના 40-49થી વર્ષની ઉંમરના લોકો રસી લઇ શકશે
વિક્ટોરીયાના આરોગ્ય મંત્રી માર્ટિન ફોલીએ જણાવ્યું હતું કે 40થી 49 વર્ષની ઉંમર ધરાવતા લોકો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત રસીકરણ કેન્દ્રોમાં ફાઇઝરની રસી લઇ શકશે. આ ઉપરાંત, તેમણે લાયક લોકોને રસી લેવા માટે આગ્રહ કર્યો હતો.

