વિક્ટોરીયાએ મંગળવાર મધ્યરાત્રીથી રાજ્યવ્યાપી લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
પરંતુ, આગામી 2 અઠવાડિયા સુધી કેટલાક નિયંત્રણો અમલમાં રહેશે જેમાં માસ્ક પહેરવું ફરજિયાત તથા અન્ય ઘરની મુલાકાત લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજ્યમાં મંગળવારે 10 નવા કેસ નોંધાયા હતા. જે તમામ અગાઉ નોંધાયેલા કેસના સંક્રમિતો સાથે સંકળાયેલા છે અને ચેપનું નિદાન થયું હતું તે તમામ વ્યક્તિઓ આઇસોલેશન હેઠળ હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 15,677 લોકોને રસી પણ આપવામાં આવી હતી.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે વિક્ટોરીયામાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન મંગળવાર મધ્યરાત્રીથી સમાપ્ત થશે. જોકે કેટલાક નિયંત્રણો આગામી 2 અઠવાડિયા સુધી અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 15મી જુલાઇના રોજ 5 દિવસ માટે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ કેસની સંખ્યા કાબૂમાં ન આવતા તેને વધુ સાત દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું.
રાજ્યમાં લાગૂ થનારા નિયંત્રણો...
- અન્ય ઘરની મુલાકાત લઇ શકાશે નહીં.
- 5 કિલોમીટરની મર્યાદાનો નિયમ હટાવવામાં આવ્યો છે.
- હોસ્પિટાલિટી, રીટેલ તથા જીમ ફરીથી કાર્યરત થઇ શકે છે પરંતુ દર ચાર સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ અમલમાં રહેશે.
- બુધવારથી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવીને અભ્યાસ કરી શકશે.
- કમ્યુનિટી સ્પોર્ટ્સ ફરીથી શરૂ થશે.
- સ્કી ફિલ્ડ્સ ફરીથી શરૂ થશે પરંતુ તેમાં પ્રવેશ માટે કોવિડ-19નો નેગેટીવ રીપોર્ટ જરૂરી રહેશે
- ઇન્ડોર તથા આઉટડોર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
ન્યૂ સાઉથ વેલ્સના ચાર વિસ્તારો લોકોએ વિક્ટોરીયામાં પ્રવેશવા માટે પરવાનગી મેળવવી જરૂરી રહેશે તેમ પ્રીમિયર ડેનિયસ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું.
જેમાં વાગા વાગા, લોકડાર્ટ, હેય તથા મુરુમ્બીગીના રહેવાસીઓએ વિક્ટોરીયામાં પ્રવેશવા માટે પરમીટ મેળવવી જરૂરી રહેશે.