ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યએ સ્વૈચ્છિક મૃત્યુને માન્યતા આપતો કાયદો પાસ કરી દીધો છે જેથી અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ સ્વૈચ્છિક મૃત્યુ દ્વારા પોતાનું જીવન ટૂંકાવી શકશે.
આ કાયદો બનાવનાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દેશનું બીજું રાજ્ય બન્યું છે.
પરંતુ, આ કાયદાની કેટલાક લોકો તરફેણ કરી રહ્યા છે જ્યારે વિરોધીઓના કહેવા પ્રમાણે, કાયદાના દૂરપયોગની પણ શક્યતા વધારે છે.
સ્વૈચ્છિક મૃત્યુ સાથે જોડાયેલી કેટલીક બાબતો
જે-તે દર્દી અસાધ્ય બિમારીથી પીડાતો હોવો જોઇએ. આ ઉપરાંત તેનું આગામી છ કે 12 મહિનામાં મૃત્યુ થાય તેવી શક્યતા હોય તો જ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સ્વૈચ્છિક મૃત્યુ મેળવી શકાશે.
આ ઉપરાંત, આ મૃત્યુ મેળવવા અંગેના તમામ નિર્ણય દર્દીના પોતાના રહેશે.

Supporters of assisted dying legislation in Western Australia. Source: AAP
નવા કાયદાનું સમર્થન કરી રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે, અસાધ્ય બિમારીથી પીડાતા દર્દીઓ સ્વૈચ્છિક મૃત્યુ દ્વારા શાંતિપૂર્વક મૃત્યુ મેળવી શકશે. પરંતુ, કાયદાનો વિરોધ પણ થઇ રહ્યો છે.
વિક્ટોરિયા કરતાં અલગ કાયદો
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ વિક્ટોરિયા રાજ્ય જેવો જ કાયદો ઘડ્યો છે પરંતુ તેમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
વિક્ટોરિયામાં દર્દીએ સ્વૈચ્છિક મૃત્યુ અગાઉ ડોક્ટરની તપાસ કરાવવી આવશ્યક છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સ્વૈચ્છિક મૃત્યુ મેળવવા માટે દર્દીએ ડોક્ટરની તપાસ કરાવવી જરૂરી નથી. કોઇ પણ બે જનરલ ડોક્ટર્સની સહી દ્વારા જ આ અંગેની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.
જોકે, નવા કાયદા સામે કેટલાક પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. નોટ્રે ડેમ યુનિવર્સિટીના ઝેવિયર સીમન્સે જણાવ્યું હતું કે કાયદાને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમાં કેટલીક છેડછાડ પણ થઇ શકે છે.
સ્વૈચ્છિક મૃત્યુની અરજી દર્દીએ જ કરી હોય તે ચકાસવું જરૂરી છે. ડોક્ટર્સ કે દર્દીના પરિવારજનો દ્વારા આ અંગેની કોઇ પણ અરજી ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રીએ રોજર કૂકે જણાવ્યું હતું કે નવા કાયદા પ્રમાણે દર્દીઓ પર કોઇ પણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે તેની ખાતરી રાખવામાં આવશે.
કાયદાના હિમાયતીઓએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં લગભગ 100 જેટલા દર્દીઓ આ વર્ષે સ્વૈચ્છિક મૃત્યુના કાયદાનો ઉપયોગ કરશે.
જે શ્રૌતાઓ આત્મહત્યા અંગે કોઇ પણ પ્રકારની માહિતી કે સહાયતા મેળવવા માંગતા હોય તેઓ 24 કલાક લાઇફલાઇનનો 131114 પર સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત Suicide Call Back Service નો 1300 659 467 પર તથા Australian Centre for Grief and Bereavement નો 1800 642 066 પર સંપર્ક કરી શકાય છે.
Share


