તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા મોટાભાગના માઇગ્રન્ટ્સ સ્નાતક સુધીની યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જે દેશના અર્થતંત્રને વેગ આપે છે. તેથી જ, કોરોનાવાઇરસનો સમય પૂરો થયા બાદ ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનનું સ્તર ફરીથી ગતિમાં આવે તે જરૂરી છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા સ્થાયી થતા 69 ટકા માઇગ્રન્ટ્સ સ્કૂલ બાદનું ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવે છે.
આ આંકડા કોરોનાવાઇરસના કારણે દેશની સરહદો બંધ થઇ તે અગાઉ નવેમ્બર 2019માં લેવામાં આવ્યા હતા.
2019 Characteristics of Recent Migrants Survey ના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં, શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોની યાદીમાં 79 ટકા લોકોએ સ્નાતક અથવા તેનાથી ઉચ્ચ ડિગ્રી મેળવી છે, જ્યારે 13 ટકા લોકો ડિપ્લોમા અથવા એડવાન્સ ડિપ્લોમાંની ડિગ્રી ધરાવે છે.
આ તમામ શૈક્ષણિક ડીગ્રીમાં મેનેજમેન્ટ અને કોમર્સની ડિગ્રી ધરાવનારા લોકોની સંખ્યા 25 ટકા છે. એન્જીનીયરીંગ અને તેની સાથે સંકળાયેલા કોર્સ 19 ટકા, 12 ટકા આરોગ્ય અને 12 ટકા લોકો ઇન્ફર્મેશન ટેક્નોલોજીની ડિગ્રી ધરાવે છે.
યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની બિઝનેસ સ્કૂલના સોશિયલ ઇકોનોમિક્સના પ્રોફેસર જોક કોલિન્સે જણાવ્યું હતું કે અન્ય સર્વેમાં પણ આ પ્રકારનું જ તારણ જોવા મળ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં આવતા માઇગ્રન્ટ્સ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જે દેશ માટે ફાયદાકારક છે.

Migrant worker Source: SBS/Migrant Worker Justice Initiative
માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક લાયકાત
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે, યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોમાંથી 90 ટકા લોકોની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં માન્યતા પ્રાપ્ત હોય છે.
કોલિન્સે માઇગ્રેશનના કારણે દેશના અર્થતંત્રને થતા ફાયદા પર પણ જોર આપ્યું હતું. તેમણે કોરોનાવાઇરસની મહામારી શાંત થાય ત્યાર બાદ માઇગ્રેશન તેની યોગ્ય ગતિ પકડે તેવી આશા વ્યક્ત કરી હતી.
જે લોકો કોરોનાવાઇરસથી ઉત્પન્ન થયેલી આર્થિક મુશ્કેલીના કારણે માઇગ્રેશનની સંખ્યા પર કાપ મૂકવા અંગે વિચારે છે તેઓ ભૂલ કરી રહ્યા છે, ઓસ્ટ્રેલિયાએ ઝડપથી માઇગ્રેશનની સંખ્યા વધારવાની જરૂર છે. મહામારીના કારણે અર્થતંત્રને પડેલી અસરમાંથી બહાર આવવા માઇગ્રેશન જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગયા મહિને લેબર પક્ષના હોમ અફેર્સ વિભાગના પ્રવક્તા ક્રિસ્ટીના કેનેલીએ અર્થતંત્રને પડેલી અસરોને ધ્યાનમાં રાખી કોરોનાવાઇરસ બાદ માઇગ્રેશનની સંખ્યા ઘટાડવા માટે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનનું સ્તર અગાઉ જેવું ન થવું જોઇએ.