ટેમ્પરરી ગ્રેજ્યુએટ 485 વિસા શું છે?
પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમ અંતર્ગત ટેમ્પરરી ગ્રેજ્યુએટ (સબક્લાસ 485) વિસા ઓસ્ટ્રેલિયન શિક્ષણ સંસ્થાનમાંથી ડિગ્રી મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયમાં રહીને કાર્યનો અનુભવ મેળવી શકે.
મહત્વના મુદ્દા
- રીજનલ સેન્ટર કે રીજનલ વિસ્તારમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બીજી વખત 485 વિસા માટે અરજી કરી શકે છે.
- રીજનલ ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલ્બર્ન અને બ્રિસબેન સિવાયના સમગ્ર ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
- ફેબ્રુઆરી 2020થી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા બહાર રહીને પણ તેમના પોસ્ટ સ્ટડી વર્ક વિસા માટે અરજી કરી શકે છે.
485 વિસા માટે કોણ અરજી કરી શકે છે?
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેમણે ઓસ્ટ્રેલિયાની શિક્ષણ સંસ્થામાંથી બેચલર, માસ્ટર કે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે તેઓ 485 વિસા માટે અરજી કરી શકે છે.
તેમણે અભ્યાસ પૂર્ણ કર્યાના 6 મહિનાની અંદર આ વિસા માટે અરજી કરવાની હોય છે.
જે વિદ્યાર્થીઓએ બેચલર કે માસ્ટર ડિગ્રી મેળવી છે તેમને વધુ 2 વર્ષના વિસા આપવામાં આવે છે. પરંતુ તેમના કોર્સને ધ્યાનમાં રાખીને વધુ લાંબા સમયના વિસા પણ મળી શકે છે.
જો તેમણે માસ્ટર ડીગ્રી બાય રિસર્ચનો અભ્યાસ કર્યો હોય તો તેમને ત્રણ વર્ષ સુધીના 485 વિસા મળી શકે છે. અને, જો તેમણે ઓસ્ટ્રેલિયામાં પીએચડીની ડીગ્રી મેળવી હશે તો તેમને શરૂઆતમાં વધુ ચાર વર્ષ માટે 485 વિસા મળી શકે છે, તેમ સિડની સ્થિત માઇગ્રેશન એજન્ટ એલિસ વાંગે જણાવ્યું હતું.

રીજનલ ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને વધુ સમય
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે રીજનલ ઓસ્ટ્રેલિયામાંથી બેચલર કે માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધીના વિસા આપવાનો નિર્ણય લીધો છે.
રીજનલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
અગાઉ આ ગોઠવણ હેઠળ, અરજીકર્તા ઓસ્ટ્રેલિયામાં અભ્યાસના આધારે માત્ર એક વખત જ 485 વિસા મેળવી શકતા હતા.
પરંતુ ફેરફાર બાદ રીજનલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે.

નેઇલ કન્સલ્ટન્સીના નિરજ શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે નેપાળ, બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનથી વિદ્યાર્થીઓ રીજનલ વિસ્તારોમાં અભ્યાસ માટે આવે છે.
જાન્યુઆરી 2021થી 485 વિસા અંતર્ગત વધુ બે વર્ષના વિસાનો નિયમ અમલમાં આવ્યો છે.
રીજનલ ઓસ્ટ્રેલિયામાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે?
મેલ્બર્ન, સિડની, બ્રિસબેન સિવાયના સમગ્ર ઓસ્ટ્રેલિયાને રીજનલ ઓસ્ટ્રેલિયા ગણવામાં આવે છે.
485 વિસા માટે રીજનલ ઓસ્ટ્રેલિયાને રીજનલ સેન્ટર્સ તથા અન્ય રીજનલ વિસ્તાર એમ મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
એલિસ વાંગ જણાવે છે કે જે લોકો એડિલેડ, પર્થ, કેનબેરા જેવા સેન્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને વધુ એક વર્ષ મળશે જ્યારે અન્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને બીજા 485 વિસા અંતર્ગત વધુ 2 વર્ષના વિસા મળશે.

સિટી ઓફ પર્થ, સિટી ઓફ એડિલેડ રીજનલ સેન્ટર તરીકે ગણાશે. જ્યારે વોલોંગોન્ગ, ન્યૂકેસલ, જીલોંગ, હોબાર્ટ, કેનબેરા પણ તે યાદીમાં સમાવાશે.
કોવિડ-19 અંતર્ગત રાહત
અગાઉ 485 વિસા માટે ઓસ્ટ્રેલિયામાં રહીને જ અરજી કરી શકાતી હતી. જેથી વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા હજારો વિદ્યાર્થીઓ આ વિસા માટે અરજી કરવા લાયક નહોતા.
પરંતુ હવે નવી ગોઠવણ અંતર્ગત, ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ વિસા માટે અરજી કરી શકે છે.
કોવિડ-19ની રાહત બંને વિસા માટે લાગૂ કરવામાં આવી છે.
485 વિસાનો અન્ય પ્રકાર - ગ્રેજ્યુએટ વર્ક સ્ટ્રીમ વિસા છે, તે 18 મહિના માટે માન્ય હોય છે.
આ પ્રકાર હેઠળ, અરજીકર્તાએ સ્કીલ ઓક્યુપેશન લિસ્ટમાંથી વ્યવસાય નક્કી કરવાનો હોય છે અને તેમનું સ્કીલ એસેસમેન્ટ સકારાત્મક હોય તો આ વિસા મેળવી શકે છે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસા માટે વધુ માહિતી મેળવવા ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટની મુલાકાત લો અથવા રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરો. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન એજન્ટની માહિતી અહીંથી ઉપલબ્ધ થશે.

