આંતરરાષ્ટ્રીય એજ્યુકેશનના વિશેષજ્ઞો ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીને દેશની બહાર ફસાઇ ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી પહેલા પરત લાવવા માટે ભાર મૂકી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસના કારણે મુસાફરી પર પ્રતિબંધ આવી જતા યુનિવર્સિટીમાં નવો પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.
હાઇલાઇટ્સ -
- ન્યૂ સાઉથ વેલ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાનું આયોજન સ્થગિત
- વિક્ટોરીયા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી વિદ્યાર્થીઓને પરત લાવવા પર કાર્ય કરી રહ્યા છે.
- નોધર્ન ટેરીટરી એશિયા, સાઉથઇસ્ટ એશિયા અને ભારતીય ઉપમહાખંડમાંથી વિદ્યાર્થીઓને પરત લાવશે.
મિચેલ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે જો મુસાફરી પર પ્રતિબંધ યથાવત રહ્યો તો લગભગ 300,000 જેટલા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જુલાઇ 2021 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં હશે. અને, તેની સીધી અસર ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયાની યુનિવર્સિટીઓ પર થશે.

CDU એશિયા, સાઉથઇસ્ટ એશિયા અને ભારતીય ઉપમહાખંડમાંથી વિદ્યાર્થીઓને લાવશે
ઇન્ટરનેશનલ એજ્યુકેશન એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ ફિલ હનીવૂડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કોઇ એક રાજ્ય કે ટેરીટરીની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાની દિશામાં કાર્ય કરવું જોઇએ.
ઓસ્ટ્રેલિયન ઓપન માટે 1200 ખેલાડીઓ તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમને યોગ્ય રીતે ઓસ્ટ્રેલિયા લાવી શકાતી હોય તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્રણ કે ચાર વર્ષ માટે કેમ ન લાવી શકાય, તેમ હનીવૂડે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યોએ નોધર્ન ટેરીટરીનું ઉદાહરણ ધ્યાનમાં રાખવું જોઇએ. તે રાજ્યએ માર્ચ 2020માં આંતરરાષ્ટ્રીય બોર્ડર બંધ થયા બાદ પ્રથમ વખત 63 વિદ્યાર્થીઓને ટેરીટરીમાં પ્રવેશ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોધર્ન ટેરીટરીની સરકારે કેન્દ્ર સરકાર તથા ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટી (CDU) સાથે મળીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાવવા માટેનું સપ્ટેમ્બર 2020માં આયોજન કર્યું હતું.

યુનિવર્સિટીના પ્રવક્તાએ SBS Punjabi ને જણાવ્યું હતું કે તેઓ વધુ વિદ્યાર્થીઓને ડાર્વિનમાં લાવવા માટે મોરિસન સરકાર તરફથી મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.
જો મંજૂરી મળશે તો યુનિવર્સિટી વધુ વિદ્યાર્થીઓને આગામી મહિનામાં ડાર્વન લાવશે, તેમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
CDU એશિયા, સાઉથઇસ્ટ એશિયા અને ભારતીય ઉપમહાખંડમાંથી વિદ્યાર્થીઓને લાવવા માટેની આશા રાખી રહી છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાનું આયોજન સ્થગિત
નવેમ્બર 2020માં રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને દર અઠવાડિયે 1000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાજ્યમાં પરત લાવવાની યોજના અંગે જણાવ્યું હતું. પરંતુ, હાલમાં ફેલાઇ રહેલા વાઇરસના નવા ચેપી પ્રકારના કારણે આ આયોજન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સના જોબ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટુરિઝમ એન્ડ વેસ્ટર્ન સિડનીના મંત્રી સ્ટુઅર્ટ એયરેસે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના પરત ફરવાથી જ રાજ્ય મહામારી બાદ આર્થિક વૃદ્ધિ કરી શકશે.
ન્યૂ સાઉથ વેલ્સ વર્ષ 2021માં શક્ય બને તેટલું જલદીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની દિશામાં કાર્ય કરશે.
પરંતુ હાલમાં દેશની બહાર ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવાની અમારી પ્રાથમિકતા છે, તેમ તેમણે SBS Punjabi ને જણાવ્યું હતું.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં હાલમાં 120,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. તે ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, સ્કીલ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ તથા ડીપાર્ટમેન્ટ ઓફ પ્રાઇમ મિનીસ્ટર એન્ડ કેબિનેટ હેઠળના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અરાઇવલ્સ વર્કિંગ ગ્રૂપ્સ અને કેન્દ્ર સરકાર સાથે મળીને વિદ્યાર્થીઓને પરત લાવવાની દિશામાં કાર્ય કરી રહી છે.
રાજ્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્તમાન બજેટમાં 33.4 મિલિયન ડોલરની સહાય કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના માટે વપરાશે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા લગભગ 300 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એડિલેડની 3 યુનિવર્સિટીમાં પરત આવે તેવી યોજના છે.
રાજ્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ વિવિધ ગ્રૂપ્સ સાથે મળીને આ દિશામાં કાર્ય કરી રહ્યા છે.
નવેમ્બરમાં નિર્ણય લેવામાં આવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓને પરત લાવવાનો કાર્યક્રમ 2021ની શરૂઆતમાં કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
બીજી તરફ, કેનબેરા ટાઇમ્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનબેરા પરત ફરે તેવી યોજના છે.
350 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવાના આયોજન માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. મેલ્બર્નમાં જુલાઇ મહિનામાં આવેલા વાઇરસના બીજા તબક્કાના કારણે તે પ્લાનને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
SBS Punjabi એ ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, તાસ્મેનિયામાં અધિકારીઓને આ અંગે નિવેદન માટે સંપર્ક કર્યો હતો. તે રાજ્યો તરફથી હાલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

