કોરોનાવાઇરસને કાબૂમાં લેવા માટે દુનિયાભરમાં વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી લઇને જુદા – જુદા દેશોની સરકારો પોતાના દેશમાં કોરોનાવાઇરસનો વ્યાપ વધે નહીં તે માટે નાગરિકોને સલાહ સૂચન આપી રહી છે અને અફવાથી નહીં પ્રેરાઇને આરોગ્ય અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતી સલાહને અનુસરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
Nurofen ની Ibuprofen દવા ન લેવાની સલાહ
હાલમાં જ ફ્રાન્સના આરોગ્ય મંત્રી ઓલિવર વેરાને એક ટ્વિટ દ્વારા લોકોને અપીલ કરી હતી કે જો તમને તાવ આવતો હોય તો Ibuprofen લેવાનું ટાળો, તેના દ્વારા પરિસ્થિતી વધુ વણસી શકે છે, તેના બદલે paracetamol લેવી હિતાવહ છે.
ફ્રાન્સના આરોગ્યમંત્રીએ ધ લેન્કટ મેડિકલ જરનલમાં Ibuprofen ના ઉપયોગથી કોરોનાવાઇરસની વધતી અસર વિશેના અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો.
વેરાનની ટ્વિટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ સમર્થન આપ્યું હતું. મંગળવારે સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાવ આવ્યો હોય તેવા સમયમાં Ibuprofen ની જગ્યાએ paracetamol લઇ શકાય છે.

Source: APP
જે કોઇ દર્દી હાલમાં Ibuprofen જેવી દવા લઇ રહ્યા હોય તેમણે પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આ ઉપરાંત, paracetamol પણ યોગ્ય માત્રામાં લેવી જોઇએ, જો વધુ માત્રામાં લેવામાં આવે તો લીવરને પણ નુકસાન કરી શકે છે.
Nurofen બનાવતી બ્રિટીશ ફાર્માસ્યૂટીકલ કંપની રેકીટ્ટ બેન્કીસરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની Ibuprofen ની આડ અસર પર નજર રાખી રહી છે. Ibuprofen દવા છેલ્લા 30 વર્ષથી માર્કેટમાં ઉપલબ્ધ છે અને તાવ તથા નાના મોટા દુખાવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
હાલમાં Ibuprofen દવાનો ઉપયોગ કરવાથી કોરોનાવાઇરસ વધુ ઘાતક બનતો જાય છે તે વૈજ્ઞાનિક ધોરણે સાબિત થયું નથી.
જોકે કંપની, વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન, યુરોપિયન મેડીસીન્સ એજન્સી અને અન્ય આરોગ્ય સંસ્થા સાથે સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.