હાઇલાઇટ્સ
- 17મી ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વર્લ્ડપ્રાઇડ 2023નું આયોજન થશે.
- દક્ષિણ ગોળાર્ધમાં સૌ પ્રથમ વખત વૈશ્વિક સ્તરે LGBTIQ+ સમુદાયની ઉજવણી થશે.
- સિડની ગે એન્ડ લેસ્બિયન માર્ડી ગ્રા તેની 45મું વર્ષ પૂર્ણ કરશે.
LGBTIQ+ સમુદાયને લગતા માનવ અધિકાર, સમાનતા તથા તેમનો સમાજમાં સમાવેશ થાય તે હેતૂથી વર્લ્ડપ્રાઇડનું આયોજન કરવામાં આવે છે.
આ ઉજવણી સૌ પ્રથમ વર્ષ 2000માં યોજાઇ હતી.
વર્ષ 2023માં વર્લ્ડપ્રાઇડના ભાગરૂપે, સિડની ગે એન્ડ લેસ્બિયન માર્ડી ગ્રા પરેડ 25મી ફેબ્રુઆરીએ તેના મૂળ રસ્તા ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર પરત ફરશે.
જે તેના આયોજનના 45મા વર્ષગાંઠ ઉજવશે.

આર્ટ્સ એન્ટ ટુરિઝમ મંત્રી બેન ફ્રેન્કલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિડની વર્લ્ડપ્રાઇડ 2023 ન્યૂ સાઉથ વેલ્સને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે. આ ઉજવણીમાં લગભગ 50,000 લોકો હાજરી આપે તેવી શક્યતા છે.
જેથી ન્યૂ સાઉથ વેલ્સના અર્થતંત્રમાં 112 ડોલરની આવક થશે.
ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે સિડની હાર્બર બ્રિજ 5મી માર્ચના રોજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે.
મેટ્રોપોલિટન રોડ્સ નતાલી વાર્ડે જણાવ્યું હતું કે, 50,000 લોકો જ્યારે સિડની હાર્બર બ્રિજ ખાતે રેલીમાં જોડાશે તે ઐતિહાસિક ક્ષણ બની જશે.

આ ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસી જોડાશે. તેમની સાથે વિદેશમંત્રી પેની વોંગ પણ હાજરી આપશે.
એલ્બાનિસી માર્ડી ગ્રા પરેડમાં ભાગ લેનારા પ્રથમ વડાપ્રધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, આપણે વિવિધતાને ઉજવવી જોઇએ અને આપણી વિવિધતા જ આપણા સમાજને શક્તિ આપે છે.

ઓસ્ટ્રેલિયામાં માર્ડી ગ્રાનો ઇતિહાસ
સિડની ખાતે ગે તથા લેસ્બિયન (ગે સોલિડારિટી ગ્રૂપ) સમુદાયના લોકોના એક નાના જૂથે 24મી જૂન 1978ના રોજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.
તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદાયને થઇ રહેલા અન્યાય તથા ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનો હતો.
તે જૂથે રાત્રીના સમયે સ્ટ્રીટ પરેડનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ પરોઢની રેલી અને સવારે જાહેર મિટીંગ યોજી હતી.
ત્યાર બાદથી સિડની ગે એન્ડ લેસ્બિયન માર્ડી ગ્રા વૈશ્વિક સ્તરે LGBTIQ+ સમુદાયની ઉજવણીનો ભાગ બની ગઇ છે.
સાઉથ એશિયન પ્રતિનિધિત્વ
વર્લ્ડપ્રાઇડ 2023માં 300થી વધુ કાર્યક્રમો યોજાશે. તેની થીમ છે, 'Gather, Dream and Amplify'.
તેમાં હ્યુમન રાઇટ્સ કોન્ફરન્સનું આયોજન થશે. જે એશિયા પેસિફીકમાં યોજાનારી સૌથી મોટી કોન્ફરન્સ બની રહેશે. તેમાં સાઉથ એશિયન સમુદાય સહિત વિશ્વના 60 વક્તાઓ ભાગ લેશે.
સિડની ગે એન્ડ લેસ્બિયન માર્ડી ગ્રા તેના પ્રથમ આયોજનના 45 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જે અંતર્ગત સિડની વર્લ્ડપ્રાઇડે ઓસ્ટ્રેલિયન LGBTIQ+ સમુદાય માટે કાર્ય કરનારા 45 રેઇન્બો ચેમ્પિયન્સની જાહેરાત કરી છે.

ભારતીયમૂળની વર્ષ 2020ની મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા મારિયા તાથ્થિલ પણ પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક છે.
આ ઉજવણીમાં બોલિવૂડ ડાન્સ પાર્ટી 'Bar Bombay' અને 'Sunderella' યોજવામાં આવશે. જેનું આયોજન નોટ ફોર પ્રોફિટ સંસ્થા ટ્રાઇકોન ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવ્યું છે.
સંસ્થા તરફથી ક્ષિતીજા દેશમુખે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા છેલ્લા 15થી પણ વધુ વર્ષોથી સાઉથ એશિયાના LGBTIQ+ સમુદાયનું સુરક્ષિત પ્રતિનિધિત્વ કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, સાઉથ એશિયન સમુદાય વિસ્તરી રહ્યો છે ત્યારે અમે વિવિધ કાર્યક્રમો તથા મુલાકાતો દ્વારા તેમના પ્રતિનિધિત્વમાં પણ વધારો કરી રહ્યા છીએ અને સમુદાયને યોગ્ય સ્થાન મળે તે અમારો ધ્યેય છે.

'Sunderella' નાટકના પાત્ર કાસિફ હેરિસને જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ઓળખ મળે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ નાટકમાં સાઉથ એશિયન સમુદાયના 17 જેટલા સભ્યો ભાગ ભજવી રહ્યા છે. જેની થીમ છે પ્રેમ અને સ્વીકૃતિ.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

