ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ તેમણે કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી લીધી છે તે સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય વેક્સીન પાસપોર્ટનો ઉપયોગ કરી શકશે.
આ પાસપોર્ટનો તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા અને દેશમાં પરત આવવા માટે ઉપયોગ કરી શકશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસનના અગાઉ જણાવ્યા પ્રમાણે, સરહદો ખુલી મૂકાયા બાદ હોમ ક્વોરન્ટાઇન મહત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાને રાજ્યો અને ટેરીટરી સરકારોને તેઓ કેવી રીતે વેક્સીન સર્ટિફીકેટ તથા હોમ ક્વોરન્ટાઇન અમલમાં મૂકશે તે અંગે યોજના રજૂ કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય સરકાર કોવિડ-19 પ્રતિરોધક રસીનું સર્ટિફીકેટ ઓક્ટોબર મહિનાથી ઉપલબ્ધ કરાવશે અને તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરીની ગોઠવણ માટે કઇ રસીને માન્યતા આપવી તે માટે અન્ય દેશો સાથે ચર્ચા કરી રહી છે.

Source: AAP Image/Roy Vandervegt
આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન વેક્સીન પાસપોર્ટ મુસાફરના ફોનમાં ડીજીટલ માધ્યમથી અથવા પ્રિન્ટ દ્વારા ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન મોરિસને અગાઉ દેશમાં 80 ટકા રસીકરણ થાય ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવાની યોજના રજૂ કરી હતી. હાલમાં દેશમાં 16 વર્ષથી મોટી ઉંમરના 39 ટકા - 8 મિલીયન લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા આગમન કરતા તમામ મુસાફરોએ તેમના ઊતરાણના પ્રથમ સ્થાને ફરજિયાત પણે 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડે છે.
મુખ્ય આરોગ્ય અધિકારી પૌલ કેલીએ જણાવ્યું હતું કે રસીના બંને ડોઝ મેળવીને ઓસ્ટ્રેલિયા આગમન કરતા લોકો માટે અલગ પ્રકારની ક્વોરન્ટાઇન યોજના અમલમાં મૂકાઇ શકે છે પરંતુ તે માટે કઇ રસીને માન્યતા આપવા તે હજી અસ્પષ્ટ છે.
વેક્સીન પાસપોર્ટ અમલમાં મૂકાયા બાદ પણ ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય પ્રવાસ ક્યારે શરૂ કરશે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.