ભારતમાં કોરોનાવાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે કોઇ જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યા નથી. પરંતુ, ગુજરાતની જનતા ઓનલાઇન માધ્યમથી આ દિવસની ઉજવણી કરશે.
ટ્વિટ્સ દ્વારા ગુજરાતની પ્રજાને શુભેચ્છા
દર વર્ષે 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, આ પ્રથમ વખત છે કે કોરોનાવાઇરસના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ગુજરાત દિનની ઉજવણી અને અન્ય સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
અને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પર ગુજરાત દિવસના સંદેશ મૂકીને લોકોને શુભેચ્છા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગુજરાતની પ્રજાના પુરુષાર્થને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવીને આગામી સમયમાં પણ રાજ્ય ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાને સંદેશ
ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને કોરોનાવાઇરસ સામે લડત માટે સંકલ્પ લેતો સંદેશ પ્રસ્તુત કર્યો હતો. તેમણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને વારંવાર હાથ ધોવા વિશેનો સંકલ્પ લીધો હતો.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહાત્મા ગાંધી, સરદાર પટેલને યાદ કર્યા
ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે, આ પ્રસંગે દેશની આઝાદીમાં મહત્વનો ફાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને પણ યાદ કર્યા હતા.