પાંચ લાખથી પણ વધુ ઓસ્ટ્રેલિયન્સને હવે ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ (PBS) અંતર્ગત સસ્તી દવાઓનો લાભ મળશે.
ફેંફસાના કેન્સર, લ્યુકેમિયા અને ઉચ્ચ કોલેસ્ટરોલ જેવી બિમારીઓ માટે ઉપયોગમાં લેવાતી દવાઓને હવે ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમમાં સમાવવામાં આવી છે.
આ અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે આવતી કાલથી, જે ઓસ્ટ્રેલિયન કેન્સર સહિતની અન્ય બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે તેમને આ સ્કીમ દ્વારા રોગ સામે લડવામાં મદદ મળશે.
સરકારની જાહેરાત બાદ હવે, ફેંફસાના કેન્સર, લામ્ફોબ્લાસ્ટિક અને એક્યુટ લ્યુકેમિયા જેવી બિમારી માટે વપરાતી દવાઓ ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ હેઠળ હવે 40.30 ડોલર અથવા કન્સેશન કાર્ડ હેઠળ 6.50 ડોલરમાં મળી રહેશે.
બીજી તરફ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હન્ટે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ હેઠળ આવતી દવાઓના ભાવ દરેક છ મહિનાના અંતરે ઘટાડવામાં પણ આવશે.
ગંભીર બિમારીઓ સામે લડતા ઓસ્ટ્રેલિયન્સને હવે ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમની મદદથી વધુ દવાઓનો લાભ મળશે, તેમ ગ્રેગ હન્ટે ઉમેર્યું હતું.
કન્સેશન કાર્ડનો લાભ ન લઇ શકતા હોય તેવા દર્દીઓનો પણ 15 દવાઓ સસ્તા દરથી મળી રહેશે.
- પ્રેગાબાલિન (Pregabalin)- ઓસ્ટ્રેલિયાના લગભગ 208,000 દર્દીઓને શરીરમાં દુખાવા માટે આ દવાનો સહારો લેવો પડે છે. 75 ગ્રામ કેપ્સ્યુલની દરેક સ્ક્રીપ્ટ પર દર્દીએ હવે 28.27 ડોલર ચૂકવવા પડશે. તેને 5.11 ડોલરનો ફાયદો થશે.
- એઝેટીમાઇબ (Ezetimibe) હાઇ કોલેસ્ટરોલ લેવલ ધરાવતા લગભગ 60,000 ઓસ્ટ્રેલિયન્સને હવે 10 ગ્રામની ટેબ્લેટ 33.86 ડોલરમાં મળી રહેશે, તેમને 6.44 ડોલર પ્રતિ સ્ક્રીપ્ટનો ફાયદો થશે.
- એઝેટીમાઇબ વિથ સીમવસ્ટાટીન (Ezetimibe with Simvastatin) લગભગ 245,000 જેટલા હાઇ કોલસ્ટરોલ ધરાવતા દર્દીઓને હવે 10 ગ્રામની ટેબ્લેટ પર 37.77 ડોલરની ચૂકવણી કરવી પડશે. તેઓને 2.53 ડોલરનો ફાયદો થશે.
ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ એડ્વાઇઝરી કમિટી દ્વારા ભણામણ કરવામાં આવ્યા બાદ નવી દવાઓનો ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી 1લી જાન્યુઆરી 2020થી પેન્શનર્સ અને કન્સેશન કાર્ડ ધરાવતા દર્દીઓને ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ હેઠળ મફતમાં અથવા ડિસ્કાઉન્ટમાં દવાની 12 સ્ક્રીપ્ટ મળી રહેશે જ્યારે કન્સેશન કાર્ડ ન ધરાવતા દર્દીઓને 2 સ્ક્રીપ્ટ મળી રહેશે.