એક યુવા ક્રિકેટરની કારકિર્દીમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ એક અલગ જ સ્થાન ધરાવે છે. દરેક યુવા ખેલાડીનું સપનું હોય છે કે તે અંડર - 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમે, શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને દેશની સિનિયર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે. આગામી વર્ષે 13 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2018 સુધી ન્યૂઝીલેન્ડમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થશે. જેમાં ભારતીય ટીમ એક ફેવરિટ ટીમ તરીકે ભાગ લેશે. ભારતીય ટીમમાં ભાવનગરના યુવા ક્રિકેટર હાર્વિક દેસાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાણીએ વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ભારતીય ટીમ, ટૂર્નામેન્ટના ફોર્મેટ અને હાર્વિકના પ્રદર્શન અંગે....
2018નો અંડર-19 વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં
દરેક 2 વર્ષે રમાતા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની આ વખતે ન્યૂઝીલેન્ડને મળી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર આગામી 13 જાન્યુઆરીથી 3જી ફેબ્રુઆરી સુધી વર્લ્ડ કપ રમાશે. ભારતીય ઉપમહાખંડની પિચોથી વિપરીત ન્યૂઝીલેન્ડની પિચ પર બાઉન્સ સારો મળતો હોવાને કારણે તમામ દેશના ખેલાડીઓની અહીં અગ્નિપરીક્ષા થશે.
ભાવનગરના હાર્વિકનો ટીમમાં સમાવેશ
ભાવનગરના યુવા ક્રિકેટર હાર્વિક દેસાઇનો વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 18 વર્ષીય સૌરાષ્ટ્રનો આ ક્રિકેટર છેલ્લા એક વર્ષથી અંડર - 19 ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. યુવા વિકેટકીપર બેટ્સમેને તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાયેલી યુથ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાર કેચ અને ત્રણ સ્ટમ્પિંગ કર્યા ઉપરાંત પાંચ મેચમાં 197 રન ફટકાર્યા હતા. મિડલ ઓર્ડરમાં હાર્વિક લાંબી ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. જે ન્યૂઝીલેન્ડની પિચ પર ભારતીય ટીમ માટે મજબૂત કડી સાબિત થઇ શકે છે.
2016ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રનર્સ અપ રહી હતી
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે અત્યાર સુધી સૌથી વધુ 3 વખત વર્લ્ડ કપ જીત્યો છે. 2016માં બાંગ્લાદેશમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થતા તે રનર્સ અપ રહ્યું હતું. આ વખતે ભારતીય અંડર-19 ટીમ સંપૂર્ણ ફોર્મમાં હોવાથી તેને ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ મનાય છે.
ભારતીય ક્રિકેટ ટીમની કમાન યુવા પૃથ્વી શોના હાથમાં
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ મુંબઇના યુવા ખેલાડી પૃથ્વી શૌના હાથમાં છે. 18 વર્ષીય આ ખેલાડીએ તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં પાંચ સદી ફટકારીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું.
વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમ
પૃથ્વી શૌ, શુભમ ગીલ, મનજોત કાલરા, હિમાંશુ રાણા, અભિષેક શર્મા, રીયાન પરાગ, હાર્વીક દેસાઇ, શીવમ માવી, કમલેશ નાગરકોટી, ઇશાન પોરેલ, અનૂકુલ સુધાકર રોય, શિવા સિંઘ, આર્યન જૂયાલ, પંકજ યાદવ, આર્શદીપ સિંઘ.