ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે એક ભારતીય યુવકની 127 કિલોગ્રામ કેનબીસ (ગાંજા) સાથે ધરપકડ કરી છે.
પશ્ચિમ સિડનીમાં રહેતા 25 વર્ષીય યુવકને ગોલબર્ન પોલિસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો અને બુધવારે તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.
પરંતુ તેની જામીન અરજી રદ કરવામાં આવી હતી.
હાઇલાઇટ્સ
- ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે 127 કિલોગ્રામ કેનબિસ સાથે ભારતીય નાગરિકની ધરપકડ કરી
- 25 વર્ષીય યુવકને બુધવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.
- પોલિસે મેરીલેન્ડ્સ ખાતેના તેના ઘરે પણ તપાસ કરી હતી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે એક નિવદેનમાં જણાવ્યું હતું કે તે વ્યક્તિ ટ્રક ડ્રાઇવર છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં ડ્રગ્સની હેરફેર સાથે સંકળાયેલા ગુના રોકવાના ભાગરૂપે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટ્રાઇક ફોર્સ રેપ્ટરે ટ્રાફિક એન્ડ હાઇ-વે પેટ્રોલ કમાન્ડની મદદથી મારુલાન ખાતે સાંજે 5 વાગ્યે ટ્રકની તપાસ કરી હતી, તેમ પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું.
ટ્રકની તપાસ દરમિયાન, અધિકારીઓને કેનબિસના 8 બોક્સ મળ્યા હતા. જેનું કુલ 127 કિલોગ્રામ જેટલું વજન હતું.
આ જપ્ત થયેલા માલની કિંમત લગભગ 3 મિલિયન ડોલર જેટલી થાય છે.
અધિકારીઓને તે વ્યક્તિ પાસેથી 3 ફોન પણ મળ્યા હતા.
પોલિસે મેરીલેન્ડ્સ ખાતેના તેના ઘરની પણ તપાસ કરી હતી. જેમાં જેલ બ્લાસ્ટર, સ્ટેરોઇટ્સ અને રોકડ રકમ મળી હતી.
ધરપકડ કરાયેલી વ્યક્તિ 25 વર્ષીય ભારતીય નાગરિક છે અને પોલિસ હવે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ સાથે તેના વિસાની સ્થિતી વિશે ચર્ચા કરશે.
પોલિસના જણાવ્યા પ્રમાણે, તે વ્યક્તિ પર પ્રતિબંધિત ચીજવસ્તુની હેરફેર, બિનઅધિકૃત રીતે પીસ્તોલ, પ્રતિબંધિત છોડ ધરાવવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે.