હોસ્પિટાલીટી તથા પ્રવાસન ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યવસાયમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ નડશે નહીં.
સરકારના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં રહીને અભ્યાસ કરતા લગભગ 300,000 જેટલા વિદ્યાર્થીઓ પખવાડિયાના 40 કલાક નોકરી કરે છે.
પરંતુ પ્રવાસન તથા હોસ્પિટાલીટી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર સ્ટુડન્ટ વિસાધારકો પર લગાવવામાં આવેલી પાબંધી હટાવશે.
સરકારે પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્ર કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યા હોવાથી આ નિર્ણય લીધો હોવાનું ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું.
સરકારે રાજ્યો, ટેરીટરી તથા ઉદ્યોગોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે જાણ્યું અને ઓસ્ટ્રેલિયાની કોરોનાવાઇરસ બાદ અર્થતંત્રને ફરીથી મજબૂત કરવાની રણનીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે કોરોનાવાઇરસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ બે ક્ષેત્રોમાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
યુનિયન્સ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, મોટાભાગના વિદ્યાર્થીઓએ નોકરી ગુમાવી હતી અને કેટલાક વિદ્યાર્થીઓને કેશ-ઇન-હેન્ડ નોકરી સ્વીકારવી પડી હતી.
કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, આરોગ્ય, ડિસેબિલીટી કેર અને ચાઇલ્ડકેર સાથે હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રોને પણ હવે અતિમહત્વપૂર્ણ ક્ષેત્રોની યાદીમાં મૂકવામાં આવ્યું છે.

Immigration Minister Alex Hawke Source: AAP Image/Lukas Coch
જે ટેમ્પરરી વિસાધારકો પ્રવાસન કે હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે અથવા કાર્ય કરવાની ઇચ્છા ધરાવે છે તેઓ 90 દિવસ સુધીના 408 COVID-19 વિસા માટે અરજી કરી શકે છે.
આ વિસા દ્વારા તેઓ ઓસ્ટ્રેલિયામાં વધુ 12 મહિના માટે રહી શકે છે.
ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રો પાસેથી સલાહ મેળવીને ટેમ્પરરી વિસાધારકો તથા પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન્સમાં સુધારા પણ કરવામાં આવશે.