ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધ દરમિયાન કચ્છના ભુજમાં આવેલા ભારતીય વાયુસેનાના બેઝ કેમ્પ પર પાકિસ્તાન દ્વારા એક જ રાત્રિમાં 18 બોમ્બનો મારો કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ બોમ્બ રન-વે પર પડ્યા હતા અને, રન-વેને ભારે નુકસાન થયું હતું.
બોમ્બના કારણે રન-વે પર જ મોટો ખાડો પડી જતા ભારતીય એરફોર્સના વિમાન ઉડાન ભરી શકે તેમ નહોતા.
અને, યુદ્ધની પરિસ્થિતી વચ્ચે રન-વેના સમારકામ માટે તાત્કાલિકપણે બહારથી કોઇ મદદ મળે તે શક્ય નહોતું.
તેવા સમયે ભુજ પાસેના માધાપર ગામની મહિલાઓ સહિત લગભગ 300 લોકોએ ભારતીય એરફોર્સના રન-વેના સમારકામનું બીડું ઝડપ્યું.
જેમાંથી એક મહિલા હતા વાલબાઇ સેઘાણી. તેઓ તેમના 18 મહિનાના દિકરાને પડોશીના ત્યાં મૂકીને દેશસેવાના આ કાર્યમાં જોડાયા હતા.
વાલબાઇ સેઘાણીએ SBS Gujarati ને જણાવ્યું હતું કે મહિલાઓએ એકત્ર થઇને દેશને મદદરૂપ થવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને જે કાર્ય માટે ત્રણ મહિનાનો સમય થાય તે માત્ર 72 કલાકની અંદર જ પૂરું કર્યું હતું. અને, એરફોર્સના વિમાનને ઉડાન ભરવા રન-વે તૈયાર કરી દીધો હતો.
મહિલાઓની દેશભક્તિની ચોમેરથી પ્રશંસા કરવામાં આવી હતી. અને તેમની વીરતાને યાદ કરવા ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મ પણ નિર્માણ પામી રહી છે.
આ મહિલાઓની શૌર્યગાથાને યાદ કરવા માટે વર્ષ 2015માં માધાપર ગામના મુખ્યદ્વાર પાસે વિરાંગના સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.