કોઇ પણ મૃતવ્યક્તિના અંગોનું દાન કરવું એટલે કે કોઇ એક અન્ય જીવને નવજીવન આપવું. સામાન્ય રીતે અંગ દાનના ખ્યાલ વિશે લોકોના મનમાં કેટલાક પ્રશ્નો, મૂંઝવણ ઉદભવે છે. સિડની સ્થિત વેસ્ટમીડ હોસ્પિટલના ઓર્ગન ડોનેશન વિભાગના વડા ડો. હેમલ વચ્છરાજાનીએ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
અંગ દાન એટલે કે ઓર્ગન ડોનેશન વિશે સામાન્ય લોકોના મનમાં ઉત્પન્ન થતા કેટલાક પ્રશ્નો.
કોઇ પણ ધર્મની વ્યક્તિ અંગ દાન કરી શકે
કોઇ પણ ધર્મ અનુસરતી વ્યક્તિ પોતાના અંગોનું દાન કરી શકે છે અને તેમના મૃત્યુ બાદ પણ તેમના ધાર્મિક રીતરિવાજ મુજબ તમામ કાર્યવાહી કરી શકાય છે. ડોનેટલાઇફનો સ્ટાફ પરિવારજનોને તેમના સ્વજનના મૃત્યુ બાદ વિવિધ પ્રકારનો સહયોગ આપે છે અને આ અંગેની વધુ માહિતી donatelife.gov.au. પરથી મેળવી શકાય છે.

Dr Hemal Vachharajani (M) at one of the events about organ donation. Source: Supplied
પરિવાર અંગ દાન કરનાર વ્યક્તિનું શરીર જોઇ શકે
જે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને તેનું અંગ દાન કરાયું છે, તેના પરિવારજનો તેનું શરીર જોઇ શકે છે. અંગ દાનથી તે મૃતવ્યક્તિના શારીરિક દેખાવ પર કોઇ અસર થતી નથી. તેમના શરીરના આંતરિક ભાગનું ખૂબ જ કુશળ ડોક્ટર્સની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવે છે.
અંગ દાન વિશે પરિવારની સહેમતી
ઓસ્ટ્રેલિયા કોઇ મૃત વ્યક્તિના અંગ દાન વિશે પરિવારનો અભિપ્રાય લેવાય છે. અને ત્યાર બાદ જ તે વ્યક્તિના અંગોના દાનની પ્રક્રિયા શરૂ થાય છે. ઓસ્ટ્રેલિયામાં 10માંથી 9 કેસમાં મૃત વ્યક્તિના નિર્ણયનું માન રાખી પરિવારજનો અંગ દાનની મંજૂરી આપે છે.
અંગ દાન અને ઉંમરને સંબંધ નથી
અમુક ચોક્કસ ઉંમર સુધી જ અંગ દાન થઇ શકે તેવી ગેરસમજણ છે. અંગ દાન અને વ્યક્તિની ઉંમરને કોઇ સંબંધ નથી. 80 કે તેથી વધુ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ પણ મૃત્યુ બાદ અંગ દાન કરી શકે છે. અંગ દાન માટે વ્યક્તિની શારીરિક સ્થિતિ અને તેને ભૂતકાળમાં થયેલી બિમારીઓને ધ્યાનમાં લેવાય છે.
અંગ દાન માટે રજીસ્ટ્રેશન જરૂરી
ઓસ્ટ્રેલિયામાં અગાઉના સમયમાં ડ્રાઇવર લાઇસન્સની અરજી કરતી વખતે અંગ દાન વિશેનો પ્રશ્ન પૂછવામાં આવતો હતો અને જો કોઇ વ્યક્તિએ તે સમયે ‘હા’ જવાબ આપ્યો હોય તો તે અંગ દાન માટે રજીસ્ટર થયા છે તેમ ગણાતું હતું પરંતુ એ નિયમ હવે બદલાઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયન ઓર્ગન ડોનર રજીસ્ટર દ્વારા તેની પ્રકિયા કરી શકાય છે. નેશનલ રજીસ્ટર મેડીકેર એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે. તમારા રજીસ્ટ્રેશનની તમામ માહિતી donatelife.gov.au. પરથી મેળવી શકાય છે.






