વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં ઘણા લાંબા સમયથી સ્ત્રી તથા પુરુષ પ્રત્યે જાતિય અસમાનતાનું વલણ ચાલતું આવ્યું છે. જોકે, છેલ્લા એક દશકમાં બંને જાતિ સાથે થઇ રહેલી અસમાનતા તથા તેમની સાથે થતા ખરાબ વ્યવહારના પ્રમાણને ઓછું કરવા માટેના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
તેમ છતાં, ભારતીય સમાજમાં કન્યા ભૃણ હત્યા, મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ તથા પુરુષોની સરખામણીમાં તેમને મળતા હક્કોમાં મોટી અસમાનતા જોવા મળે છે જેના કારણે, યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના જેન્ડર ઇક્વાલિટીના ઇન્ડેક્સ પ્રમાણે કુલ ૧૮૮ દેશોમાં ભારત ૧૩૧મા ક્રમે આવે છે.
ગુજરાતના જાણિતા સોશિયોલોજીસ્ટ ગૌરાંગભાઇ જાનીએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સેક્સીસમ એટલે કે લિંગભેદનો ખ્યાલ પરિવારમાંથી જ ઉત્પન્ન થાય છે. ભારતીય સમાજમાં આજે પણ કેટલીય જગ્યાએ દિકરી જન્મે તો તેનો કોઇ ઉત્સવ મનાવાતો નથી અને એક નકારાત્મક પ્રતિભાવ જોવા મળે છે. અને નાનપણથી જ પુત્ર અને પુત્રીનું લેબલ લગાવી દેવાય છે."
Image
ક્યા - કયા મુદ્દે અસમાનતા...
ભારતીય સમાજમાં સેક્સીસમ ઘરમાંથી જ શરૂ થાય છે અને તે પછી વ્યાપક સમાજમાં પ્રસરે છે. ઘરના કેટલાક કાર્યોમાં જ માતા - પિતા શ્રમનું વિભાજન કરી દે છે અને બાળકના મગજ પર સમગ્ર જીંદગી મોટી છાપ છોડી જાય છે.
કેટલીક રીતે સમાજ જાણ્યે કે અજાણ્યે બંને જાતીઓ વચ્ચે ભેદ ઉભો કરે છે. જેમકે...
- ઘરના તમામ કામ જેમ કે રસોઇ, ઘરની સાફ - સફાઇની જવાબદારી મહિલાઓની, ઘરની બહારનું કામ પુરુષોએ કરવાનું.
- પરિવાર કે કુટુંબને સાચવવાની જવાબાદારી સ્ત્રીની, પુરુષે નોકરી કરવાની.
- પુરુષોને તમામ તકો મળે છે જ્યારે મહિલાઓને પોતાની અંદર રહેલી ક્ષમતા દર્શાવવા યોગ્ય પ્રોત્સાહનનો અભાવ.
- છોકરીઓને ગીફ્ટમાં ઘરેણાં અપાય છે, છોકરાઓને શારીરિક રીતે મજબૂત બને તેની ટ્રેનિંગ અપાય છે.
- સ્કૂલના અભ્યાસક્રમમાં છોકરીઓને ઘરકામ કરતા દર્શાવાઇને લિંગભેદની છાપ ઉભી કરાય છે.
ગામડાં અને શહેરમાં પણ અલગ અલગ અસમાનતા
આજે પણ ભારતના શહેર તથા ગામડાંઓમાં લિંગભેદનું પ્રમાણ મોટાપાયે જોવા મળે છે જેના કારણે, દર ૧૦ વર્ષે થતી વસ્તી ગણતરીમાં સ્ત્રીનું પ્રમાણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે.
ગૌરાંગભાઇ જાનીના જણાવ્યા પ્રમાણે, "શિક્ષીત સમાજમાં સ્ત્રી તથા પુરુષના જન્મદરમાં સૌથી મોટો ભેદ જોવા મળે છે."
"બાળકીઓ, મહિલાઓ પર હિંસાનું વધતું પ્રમાણ, કુટુંબ નિયોજનની જવાબદારી અને ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક સમાજમાં થતાં બાળલગ્નો પણ સ્ત્રી જાતિ પર એક પ્રકારનો લિંગભેદ જ છે."
Image
કેવું વલણ અપનાવવાથી લિંગભેદનો ખ્યાલ દૂર થઇ શકે
ગૌરાંગભાઇ જાનીના જણાવ્યા પ્રમાણે, "પરિવાર, જ્ઞાતિ તથા ધર્મ આ ત્રણ મુખ્ય સંસ્થાઓને હવે ખ્યાલ આવી રહ્યો છે કે સ્ત્રી જાતિને કોઇને કોઇ પ્રકારે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. અને તેમણે આ ભેદ દૂર કરવા માટે તેમનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે."
- જ્ઞાતિ અને સંગઠનો બેટી પઢાવો, બેટી બચાવોની વાત કરે છે પરંતુ દિકરીઓ શિક્ષણ મેળવે અને નોકરી કરે તેવો સમય હજી કેટલાક સમાજમાં શરૂ થયો નથી.
- શિક્ષણના માળખામાં ફેરફાર કરી સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા અંગે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
- જે કોઇ પણ સમાજમાં મહિલા જાતિ સાથે ભેદભાવ જોવા મળતો હોય તેની સામે અવાજ ઉઠાવીને, વિરોધ કરીને જાગૃતિ ફેલાવવાની જરૂર છે.
સેક્સીસમ (લિંગભેદ) અને ઓસ્ટ્રેલિયા
- લગભગ ૫ લાખ સ્ત્રી અને પુરુષોએ ઓફિસમાં, વ્યવસાયમાં લિંગભેદનો અનુભવ કર્યો છે.
- છેલ્લા ૧૨ મહિનામાં ૧૮ ટકા જેટલી મહિલાઓએ જાહેર સ્થળોએ સતામણીનો અનુભવ કર્યો છે, ૧૮ થી ૨૫ વર્ષની ઉંમરની મહિલાઓમાં આ પ્રમાણ લગભગ ૪૦ ટકા જેટલું છે.
- ૪૪ ટકા સ્ત્રીઓ એમ માને છે કે જો તે પુરુષ હોત તો તેમને તેમની પસંદગીની નોકરી મળી ગઇ હોત. દર ચારમાંથી એક પુરુષ આ વાત સાથે સહેમત છે.
- ૧૮ થી ૨૫ વર્ષની ૩૧ ટકા મહિલાઓએ ઇન્ટરનેટ પર જાતીય સતામણીનો અનુભવ કર્યો છે. ૪૩ ટકા ઓસ્ટ્રેલિયન માને છે કે ઇન્ટરનેટ પર થતી હેરાનગતિ જાહેર સ્થળો પર થતી સતામણી કરતા વધુ ગંભીર મુદ્દો છે.
- ઓસ્ટ્રેલિયામાં ૮૩ ટકા લોકો જાતીય સમાનતાને સમર્થન આપે છે, જેમાં ૮૬ ટકા મહિલાઓ અને ૭૯ ટકા પુરુષોનો સમાવેશ થાય છે.
Is Australia Sexist? premieres on SBS at 8:40pm on Tuesday 4 December, or stream it any time afterwards at SBS On Demand.





