50 વર્ષ 21મી જુલાઇના રોજ જ્યારે અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો ત્યારે ડેવિડ કૂક ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના પાર્કસ ટાઉન ખાતેના રેડિયો ટેલિસ્કોપ સ્ટેશન પર એન્જીનીયર તરીકે કામ કરી રહ્યા હતા.
હાલમાં 87 વર્ષીય ડેવિડ કૂકને તે ઐતિહાસિક ઘટના હજી પણ યાદ છે. તેઓ જણાવે છે કે અમે તમામ લોકો નીલ આર્મસ્ટ્રોંગનું સ્પેસશીપ ‘એપોલો 11’ ચંદ્ર પર ઊતરાણ કરે તેની રાહ જોઇ રહ્યા હતા. થોડી જ ક્ષણોમાં આર્મસ્ટ્રોંગ બહાર આવ્યા અને તેમણે ચંદ્ર પર પ્રથમ પગ મૂકીને ઇતિહાસ રચ્યો હતો.
સમગ્ર દુનિયાએ આ ઐતિહાસિક ઘટના નિહાળી તેમાં તેમાં પાર્કસ ખાતેના સ્ટેશનનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.

Source: (NASA)
પાર્કસ ખાતેના ટેલિસ્કોપે ફૂટેજ ઉપલબ્ધ કરાવી
વર્તમાન સમયમાં જ્યારે પણ ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગના ઊતરાણની વાત આવે છે ત્યારે તેમનું એક ચિત્ર તમામના મગજમાં ઉપસી આવે છે. આ દ્રશ્ય નાસાને ઓસ્ટ્રેલિયા ખાતેના પાર્કસ સ્ટેશને જ ઉપબલ્ધ કરાવ્યું છે.
21મી જુલાઇ 1969ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ઊતરાણ કર્યું ત્યારે ઓસ્ટ્રેલિયામાં બપોરના 12.56 વાગ્યા હતા અને પાર્કસ ખાતેના સ્ટેશને નાસાને તેનું પ્રસારણ આપ્યું હતું જે સમગ્ર દુનિયાએ પોતાના ટેલીવિઝન સેટ પર નિહાર્યું હતું.
આર્મસ્ટ્રોંગના ચંદ્ર પરના ઊતરાણ વખતે પાર્કસ સ્ટેશન પર બની રહેલી ઘટનાઓ વિશે કૂકે જણાવ્યું હતું કે, ચંદ્ર પર ઊતરાણ થયું ત્યાર બાદ હું ટેલિસ્કોપની બહાર ગયો અને મેં વિચાર્યું કે હાલમાં જે ચંદ્ર પણ ત્રણ માણસોએ ઊતરાણ કર્યું છે. તેને હું અહીંથી નિહાળી શકું છું. આ ઘટના કેટલી આશ્ચર્યજનક છે.
આ સિદ્ધીનો એક ભાગ બનવાનો અમને તમામને ગર્વ છે.

Source: Supplied
ચંદ્ર પરથી ટેલીવિઝનનું પ્રસારણ કેવી રીતે થયું
ચંદ્ર પરથી આવતા સિગ્નલ્સ નાસાના કેલિફોર્નિયા ગોલ્ડસ્ટોન, કેનબેરાની હનીસકલ ક્રીક અને પાર્કસ ટ્રેકીંગ ખાતેના સ્ટેશન પર પ્રાપ્ત થઇ રહ્યા હતા.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના અન્ય સ્ટેશન્સે પણ તેમાં મહત્વનો ફાળો આપ્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં આવેલા ટીડ્બીનબિલા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલા કેરનાર્વોન અને ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા કલ્ગુરા સ્ટેશનનો સમાવેશ થાય છે.
પાર્કસ ટેલિસ્કોપ સૌથી આધુનિક
પાર્કસ ટેલિસ્કોપ તે સમયે વિશ્વનું સૌથી આધુનિક, સંદવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ હતું અને નાસાને આ ઐતિહાસિક ઘટનાનું પ્રસારણ કરવા માટે કોઇ આધુનિક ટેલિસ્કોપની જ જરૂર હતી, CSIRO (કોમનવેલ્થ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ નાસા સાથે ચંદ્ર પર ઊતરાણ બાદની તમામ ઘટનાઓનું પ્રસારણ કરવાની સહેમતિ દર્શાવી.
ઐતિહાસિક ઘટનાના પ્રસારણમાં કોઇ ખામી ન સર્જાય તે માટે નાસાએ એક વર્ષ અગાઉથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

The Parkes telescope and the moon, 1969 (CSIRO) Source: CSIRO
ચંદ્ર પર ઊતરાણના સમયે નાસા ગ્લેડસ્ટોન ખાતેના સ્ટેશનનો ઉપયોગ કરી રહ્યું હતું. પરંતુ પાર્કસ ખાતેનું સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ હોવાના કારણે તેની પર પસંદગી ઉતારાઇ હતી.
ટેલિસ્કોપના ઓપરેશનલ સાયન્ટીસ્ટ જ્હોન સરકિસીયાને જણાવ્યું હતું કે ગ્લેડસ્ટોન ખાતેના સ્ટેશન બાદ જ્યારે પાર્કસ સ્ટેશન પરથી પ્રસારણ શરૂ થયું ત્યારે પાર્કસે સૌથી ઉત્તમ ચિત્રો રજૂ કર્યા અને સમગ્ર વિશ્વએ નીલ આર્મસ્ટ્રોંગની ‘મૂનવોક’ની ઘટનાને નિહાળી હતી.






