કોરોનાવાઇરસના કારણે આંતરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધિત થતા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા કેટલાક ભારતીયમૂળના પ્રવાસીઓ અહીં ફસાઇ ગયા છે.
જેમને વતન પરત લઇ જવા માટે ભારત સરકારે એર ઇન્ડિયાના ખાસ વિમાનની વ્યવસ્થા કરી હતી. ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન અને સિડનીથી ભારતના વિવિધ શહેરો માટે ખાસ ફ્લાઇટ્સ દ્વારા ભારતીય નાગરિકોને દેશમાં પરત લઇ જવામાં આવ્યા હતા.
જોકે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી ભારત જવા માટે કોઇ ફ્લાઇટની વ્યવસ્થા નહીં હોવાથી ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (ISWA) અને અન્ય 45 જેટલી સંસ્થાઓના સહયોગથી ખાનગી ટ્રાવેલ કંપની સાથે મળી પર્થમાં ફસાઇ ગયેલા ભારતીય નાગરિકો માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા થાય તે માટે પ્રયત્નો કરી રહી છે.
સર્વે ફોર્મ દ્વારા માહિતી એકઠી કરાઇ
જે ભારતીય નાગરિક ભારત પરત જવા માંગે છે તેમના માટે એક સર્વે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 700 જેટલા લોકોએ આ ફોર્મ ભરીને ભારત જવાની તૈયારી દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે હાલના તબક્કામાં ભારતીય પાસપોર્ટ ધરાવનારા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ભારતના ચાર શહેર માટે ફ્લાઇટ્સ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થથી હાલમાં ભારતના અમૃતસર, દિલ્હી, અમદાવાદ અને બેંગલોર એમ ચાર શહેરો માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ટિકીટનો ભાવ
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત જવા માટેની ટિકીટનો ભાવ નક્કી કરાયો નથી પરંતુ જો ચાર્ટર્ડ ફ્લાઇટ્સની પરવાનગી મળશે તો ટિકીટની કિંમત 1800 ડોલર જેટલી હોવાની શક્યતા છે.
ભારતના સિવીલ એવિયેશન વિભાગ પાસેથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે મંજૂરી લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને, તેમની પાસેથી સકારાત્મક અભિગમ પ્રાપ્ત થયો છે.
આ ઉપરાંત, કેટલીક એરલાઇન્સ કંપની સાથે પણ ચાર્ટર્ડ ફ્લાઇટ્સની સુવિધા મેળવવા માટે વાતચીત ચાલી રહી છે. જો, મંજૂરી મળશે તો 20મી જુલાઇથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની સર્વિસ શરૂ થશે તેમ જાણવા મળ્યું છે.