ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના 723 નવા કેસ નોંધાયા છે જ્યારે 13 દર્દીઓના મૃત્યુ થયા છે.
રાજ્યમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને હવે રીજનલ વિક્ટોરીયામાં પણ આગામી અઠવાડિયાથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીના સૌથી વધુ કેસ
કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. અને, રાજ્યમાં કોરોનાવાઇરસના કેસની કુલ સંખ્યા 9998 પર પહોંચી ગઇ છે.
જેમાંથી 255 કેસ રીજનલ વિક્ટોરીયામાં સક્રિય છે.
312 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જેમાંથી 34 દર્દી ઇન્ટેન્સિવ કેરમાં કોરોનાવાઇરસની સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં વધુ 13 મૃત્યુ નોંધાયા
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુસે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક જ દિવસમાં 13 મૃત્યુ થયા છે. જેમાં 70 વર્ષીય ત્રણ પુરુષ અને ત્રણ મહિલા તથા, 80 વર્ષીય ત્રણ પુરુષ અને બે મહિલા તથા 90 વર્ષીય બે પુરુષનો સમાવેશ થાય છે.
13માંથી 10 મૃત્યુ એજ કેર સાથે સંકળાયેલા હોવાની પ્રીમિયરે શક્યતા વ્યક્ત કરી હતી.

All Victorians will now be required to wear masks, not just those in Melbourne and Mitchell Shire. Source: AAP
રીજનલ વિક્ટોરીયામાં માસ્ક ફરજિયાત
રીજનલ વિક્ટોરીયામાં 2જી ઓગસ્ટ રાત્રે 11.59થી ઘરમાંથી બહાર જાહેર સ્થળો પર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ગુરુવારે રાત્રે 11.59 વાગ્યાથી, રીજનલ વિક્ટોરીયાના કોલાક ઓટવે, ગ્રેટર જીલોંગ, સર્ફ કોસ્ટ, મૂરાબૂલ, ગોલ્ડન પ્લેન્સ, બોરહ ઓફ ક્લિન્સક્લિફ વિસ્તારના રહેવાસીઓ એકબીજાના ઘરની મુલાકાત લઇ શકશે નહીં.
પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, સામુદાયિક સંક્રમણ ન થાય તે માટે ઘરમાં મુલાકાતીઓને ભેગા થવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે જ્યારે રેસ્ટોરન્ટ્સ, પબ અને અન્ય હોસ્પિટાલિટીના સ્થળોને વેપાર ચાલૂ રાખવાની પરવાનગી આપવામાં આવશે.
આ ઉપરાંત, રાજ્યમાં જો કોરોનાવાઇરસની પરિસ્થિતી સુધરશે નહીં તો છ અઠવાડિયા બાદ પણ લોકડાઉન લંબાય તેવી શક્યતા પ્રીમિયર એન્ડ્ર્યુસે દર્શાવી હતી.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.
જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.