બાળકો માટેની Paracetamol દવા હવે ફાર્મસીના કાઉન્ટર પરથી જ ઉપલબ્ધ થશે અને અસ્થમાની દવા Ventolin પણ ગ્રાહક દીઠ એક જ મળશે.
ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ કોરોનાવાઇરસના ભયના કારણે લોકો જંગી માત્રામાં દવા ખરીદતા હોવાના કારણે આ નિર્ણય લીધો હોવાનું ગુરુવારે જણાવ્યું હતું.
કેનબેરા ખાતેથી પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાત ન હોય તો ખાદ્ય પદાર્થો કે દવાઓની જંગી માત્રામાં ખરીદી ન કરો.
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસની સંખ્યાં 565 સુધી પહોંચી છે. જેમાં છ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
ડો. કેલીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના મોટાભાગના કેસ વિદેશથી આવેલા લોકો દ્વારા નોંધાયા છે. ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના દર્દીઓની સંખ્યા 300 સુધી પહોંચી ગઇ છે.

People in Sydney's CBD this week. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સના ચીફ હેલ્થ ઓફિસર ડો. કેરી ચેન્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાવાઇરસના કુલ કેસમાંથી 130 જેટલા કેસ વિદેશમાં નોંધાયા હતા. યુરોપ, યુકે અને અમેરિકાથી આવેલા મુસાફરોના કારણે કોરોનાવાઇરસ રાજ્યમાં ઝડપથી ફેલાયો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમીયર ગ્લેડિસ બેરિજીક્લિયાને જણાવ્યું છે કે તેઓ પોલીસ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટ અને શિક્ષણ જેવા 20 ક્ષેત્રોને પશ્ચિમ સિડનીના લિડકમ્બ વિસ્તારમાં આવેલી રાજ્યની રુલર ફાયર સર્વિસ હેડક્વાર્ટર હેઠળ લાવશે.
તેમણે ઉમેર્યું હતું કે, તમામ સંસ્થાઓના એક છત નીચે આવીને કાર્ય કરવાથી રાજ્યના નાગરિકોની સુરક્ષા થશે અને તેમને યોગ્ય સમયે જરૂરી માહિતી પણ પૂરી પાડી શકાશે.
બીજી તરફ, મળતી માહિતી પ્રમાણે, કોરોનાવાઇરસનો જ્યાં પ્રથમ કેસ નોંધાયો હતો તે ચીનના વુહાન શહેરમાં ગુરુવારે આ વાઇરસનું સંક્રમણ થયું હોય તેવો એક પણ કેસ સામે આવ્યો નહોતો.
મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.